સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકા-ઇરાન યુદ્ધ ખતમ કરવા 8 શરતોનો ડ્રાફ્ટ, ટ્રમ્પે કહ્યું- ઉતાવળ નથી

અમેરિકા-ઇરાન યુદ્ધ ખતમ કરવા 8 શરતોનો ડ્રાફ્ટ, ટ્રમ્પે કહ્યું- ઉતાવળ નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે મધ્યસ્થીના પ્રયાસો ફરી તેજ બન્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ યુદ્ધનો અંત લાવવા માટે વોશિંગ્ટન ઉતાવળ કરવા માંગતું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા પાસે પૂરતો સમય છે.

આ દરમિયાન સાઉદી અખબાર અલ અરબિયાએ અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ સમજૂતી માટે તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટની 8 શરતો જાહેર કરી છે. આ ડ્રાફ્ટમાં મુખ્યત્વે પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝની ખાડી અને આર્થિક પ્રતિબંધોને લગતી શરતો સામેલ છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન વાતચીત માટે તૈયાર છે અને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ડ્રાફ્ટની શરતો નીચે મુજબ છે:

એનરિચ યુરેનિયમનું ટ્રાન્સફર: ઈરાન પોતાના એનરિચ યુરેનિયમનો જથ્થો કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત યુરેનિયમ સંવર્ધનનું સ્તર ઘટાડવાનો વિકલ્પ પણ રહેશે.

હોર્મુઝની ખાડી ફરી ખોલવી: બંને પક્ષો વચ્ચે સહમતી થયા બાદ સાત દિવસની અંદર હોર્મુઝની ખાડીમાં વ્યાવસાયિક જહાજોની અવરજવર ફરી શરૂ થઈ શકે છે.

અમેરિકા ગેરંટર બનશે: અમેરિકા સમજૂતીના અમલીકરણ અને તેને જાળવી રાખવા માટે ગેરંટરની ભૂમિકા ભજવી શકે છે.

દોહામાં સીધી વાતચીત: અમેરિકા અને ઈરાન વચ્ચે કતરની રાજધાની દોહામાં સીધી વાટાઘાટો થઈ શકે છે.

પ્રતિબંધોમાં રાહત: ઈરાન પરમાણુ અને દરિયાઈ સુરક્ષા સંબંધિત પગલાં લેશે, જ્યારે અમેરિકા ઈરાન સામેના પ્રતિબંધો, ઘેરાબંધી અને આર્થિક પાબંદીઓ હળવી કરવા પગલાં લેશે.

સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થા: સમજૂતીના દરેક આગામી તબક્કાનો અમલ કરતાં પહેલાં સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થા દ્વારા બંને પક્ષોની પ્રતિબદ્ધતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ચકાસણી વગર મોટી છૂટ નહીં: કોઈપણ પક્ષને મોટી છૂટ આપવામાં આવશે નહીં, જ્યાં સુધી તેને સ્વતંત્ર રીતે ચકાસી શકાય તેવી ખાતરી ન મળે.

ઉલ્લંઘન રોકવા માટે વ્યવસ્થા: મધ્યસ્થીઓ અને ગેરંટર દેશોને સામેલ કરીને એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે સમજૂતીના અમલમાં વિલંબ અથવા તેના ઉલ્લંઘનને દૂર કરી શકે. તેનાથી ફરીથી સૈન્ય તણાવ ઊભો થતો અટકાવવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે આ મહિનામાં બે વખત ઈરાનની મુલાકાત લીધી છે. તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચે મુખ્ય મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. શુક્રવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાને મુનીરની મુલાકાત અંગે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે આ પ્રયાસોને સકારાત્મક ગણાવ્યા હતા. પ્રવક્તા ચૌધરીએ કહ્યું, "જો કંઈક સકારાત્મક ન હોત તો ફીલ્ડ માર્શલ બે વખત ઈરાન શા માટે ગયા હોત? હા, ચોક્કસપણે."

શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ સામે આવતાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો આગળ વધવાની આશા વધી છે.