સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાન-અમેરિકા તણાવ: ખાર્ગ ટાપુ નજીક 5 તેલ ટેન્કર પર હુમલો, તેલ ભાવ $100 પાર

ઈરાન-અમેરિકા તણાવ: ખાર્ગ ટાપુ નજીક 5 તેલ ટેન્કર પર હુમલો, તેલ ભાવ $100 પાર

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધતાં મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાન દ્વારા અમેરિકન નૌસેનાના જહાજ પર મિસાઈલ હુમલાના પ્રયાસ બાદ અમેરિકાએ વળતી કાર્યવાહીમાં ઓમાનની ખાડી અને ખાર્ગ ટાપુ નજીક ઈરાન સાથે સંકળાયેલા પાંચ તેલ ટેન્કરોને તબાહ કર્યા છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, ઈરાને છેલ્લા બે દિવસમાં અમેરિકન નૌસેનાના જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જોકે, આ હુમલામાં કોઈ નુકસાન થયું ન હતું. જવાબમાં અમેરિકાએ ઈરાનના પાંચ તેલ ટેન્કરોને નિશાન બનાવીને તેમને નકામા બનાવી દીધા છે. આ તમામ ટેન્કરો ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના તેલ નેટવર્ક સાથે જોડાયેલા હતા.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે હુમલા પહેલાં જહાજોના ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જે ટેન્કરો પર હુમલો થયો છે તેમાં M/T Kaviz, M/T Charminar, M/T Horizon 1, M/T Riesco અને M/T Derya નો સમાવેશ થાય છે.

અમેરિકાનો આરોપ છે કે આ તેલ ટેન્કરો દ્વારા ઈરાન અબજો ડોલરની કમાણી કરતું હતું, જેનો ઉપયોગ IRGC અને તેના સહયોગી સંગઠનોને ફંડ આપવા માટે થતો હતો. આ આર્થિક મદદ રોકવા માટે અમેરિકાએ આ નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે. અગાઉ 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના ત્રણ ક્રૂડ ઓઈલ ટેન્કરો પર હુમલો કર્યો હતો.

અમેરિકાના આ પગલાં બાદ ઈરાને પણ સખત વલણ અપનાવ્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણી આપી છે કે કુવૈત અને બહેરીનના જે બંદરો પર અમેરિકન સેના હાજર છે, ત્યાં ઊભેલા તેલ જહાજોને નિશાન બનાવવામાં આવશે. ઈરાને તે વિસ્તારના જહાજોના કર્મચારીઓને તાત્કાલિક વિસ્તાર છોડી દેવાની સૂચના આપી છે, જેના કારણે ખાડી દેશોમાં ભયનો માહોલ છે.

બંને દેશો વચ્ચેના વધતા તણાવની સીધી અસર દરિયાઈ વેપાર પર પડી છે. વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ તેલ માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર સામાન્ય જહાજોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. આ કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચી ગયા છે.