સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકા ઈરાન પર 'મધર ઓફ ઓલ બોમ્બ' ફેંકવાની તૈયારીમાં? ટ્રમ્પની યોજના સામે આવી

અમેરિકા ઈરાન પર 'મધર ઓફ ઓલ બોમ્બ' ફેંકવાની તૈયારીમાં? ટ્રમ્પની યોજના સામે આવી

અમેરિકા ઈરાન સામે તેના સૌથી શક્તિશાળી પરંપરાગત બોમ્બનો ઉપયોગ કરવાની ગંભીરતાથી ચર્ચા કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરી લશ્કરી કાર્યવાહી કરવાના વિકલ્પો પર વિચારી રહ્યા છે. આ યોજનાઓથી વાકેફ અધિકારીઓને ટાંકીને સીએનએનના અહેવાલ પ્રમાણે, પેન્ટાગોન ઈરાનના ઉર્જા માળખા અને પરમાણુ સુવિધાઓ સામે 'મધર ઓફ ઓલ બોમ્બ' (MOAB) તૈનાત કરવાની શક્યતા શોધી રહ્યું છે.

આ હથિયારનો ઉપયોગ ઈરાન સામે પહેલાં ક્યારેય થયો નથી. તેની તૈનાતીથી સંઘર્ષમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. પરંતુ એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું MOAB ઈરાનની પરમાણુ સુવિધાઓને નુકસાન પહોંચાડી શકે છે? તેની વિનાશક ક્ષમતા હોવા છતાં, MOAB ઈરાનના શંકાસ્પદ ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે યોગ્ય ન પણ હોય. યોજનાઓથી પરિચિત એક સૂત્રએ CNN ને જણાવ્યું હતું કે આ હથિયાર ઊંડાણપૂર્વક જમીનમાં દટાયેલા લક્ષ્યોને નષ્ટ કરવા માટે જરૂરી તાકાત ધરાવતું નથી.

સૂત્રએ જણાવ્યું હતું કે, "MOAB એક વિશાળ ક્ષેત્રમાં અસર કરી શકે તેવું હથિયાર છે, જે ખૂબ મોટા વિસ્તારને સાફ કરી શકે છે. પરંતુ આ સિવાય તેનો કોઈ ખાસ ઉપયોગ નથી. તે ચોક્કસપણે જમીનની ઊંડાઈ સુધી પ્રહાર કરતું હથિયાર નથી."

અમેરિકા અને ઈઝરાયેલે પોતાના સૈન્ય અભિયાનનો બચાવ કરતાં કહ્યું છે કે ઈરાનને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરતાં રોકવા માટે આ અભિયાન જરૂરી હતું. જોકે, ઈરાને વારંવાર પરમાણુ હથિયારો વિકસાવવાનો પ્રયાસ કરતું હોવાનો ઇનકાર કર્યો છે.

સીએનએનના અહેવાલ મુજબ, લશ્કરી અધિકારીઓએ એવા વિકલ્પો પર પણ ચર્ચા કરી છે જે ટ્રમ્પના મૂળ યુદ્ધ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કર્યા વિના શક્તિ પ્રદર્શન કરી શકે છે. પેન્ટાગોનની યોજનાથી પરિચિત એક સૂત્રએ કેટલાક પ્રસ્તાવિત વિકલ્પોને 'સંભવિત આતિશબાજી પ્રદર્શન' તરીકે વર્ણવ્યા હતા. આ હુમલાઓ ટ્રમ્પને સંઘર્ષમાંથી ખસી જવાનો માર્ગ પૂરો પાડી શકે છે, ભલે તેઓ યુદ્ધની શરૂઆતમાં વોશિંગ્ટન દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય.

આ ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે યુદ્ધને સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસો અટકી ગયા છે. નવેમ્બરમાં યુએસ મધ્યવર્તી ચૂંટણીઓ પહેલા ટ્રમ્પ ભારે દબાણ હેઠળ છે, અને તેમની અપ્રૂવલ રેટિંગ ઓછી છે. ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે, યુદ્ધ અને પરિણામે ઇંધણ તથા અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યો છે.