સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકા ચૂંટણી પછી ઈરાન પર ફરી હુમલો કરી શકે: સહયોગીઓને સાવધાન રહેવા ચેતવણી

અમેરિકા ચૂંટણી પછી ઈરાન પર ફરી હુમલો કરી શકે: સહયોગીઓને સાવધાન રહેવા ચેતવણી

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણી બાદ ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી થઈ શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને અમેરિકાના અધિકારીઓએ પશ્ચિમ એશિયાના અનેક દેશો અને પ્રાદેશિક સહયોગીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. ઈરાન તરફથી વળતો હુમલો થવાની શક્યતા અંગે પણ સહયોગી દેશોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હોવાનું બે રાજદ્વારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે. જોકે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા હુમલા કરવાનો અંતિમ નિર્ણય લીધો નથી.

રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે વારંવાર સંકેત આપ્યો છે કે અમેરિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ ફરી સૈન્ય કાર્યવાહી કરવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે. અમેરિકાના વ્હાઇટ હાઉસ અને અન્ય અધિકારીઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, ઈરાન અને તેના સમર્થક સંગઠનો વળતો હુમલો કરી શકે છે, જેના કારણે સંઘર્ષ વધુ લાંબો ખેંચાવાની આશંકા છે. ઈરાન તરફથી ઊર્જા મથકો અને અન્ય મહત્ત્વપૂર્ણ માળખાને નિશાન બનાવવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પણ સાવચેતીનાં પગલાં લેવા જણાવાયું છે.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ 28 ઑક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેહરાન રાજદ્વારી પ્રયાસોને સફળ થવાની તક આપી રહ્યું છે. તેમણે કહ્યું કે મધ્યસ્થીઓ સાથે મળીને ગયા મહિને રજૂ કરાયેલા પ્રસ્તાવના વિચારોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઈરાન આ પ્રસ્તાવને યુદ્ધવિરામ તરફ પાછા ફરવા માટેના આધાર તરીકે ઉપયોગમાં લેવા માગે છે. જોકે, ટ્રમ્પે અગાઉ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે પણ બંને પક્ષોને સંયમ રાખવા અને રાજકીય ઉકેલ તરફ આગળ વધવા અપીલ કરી છે, જેથી તણાવને કાબૂમાં રાખી શકાય અને ફરી સૈન્ય કાર્યવાહી શરૂ થતી અટકાવી શકાય.

અહેવાલ મુજબ, અમેરિકાએ ગયા મહિનાના અંતમાં USS થિયોડોર રૂઝવેલ્ટ વિમાનવાહક જહાજ સાથે મરીન સૈનિકો ધરાવતાં અનેક જહાજોને સાન ડિએગોથી પર્શિયન ગલ્ફ તરફ રવાના કર્યા હતા. આ તૈનાતીમાં અંદાજે 9,000 સૈનિકો સામેલ છે. આ જહાજો અને સૈન્ય દળોના આગમનથી પશ્ચિમ એશિયામાં અમેરિકાની હાજરી વધુ મજબૂત થઈ છે. દરમિયાન, સંઘર્ષનો વ્યાપ પણ વધ્યો છે. ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના તેલ માળખાં અને હવાઈમથકો પર હુમલા કર્યા હોવાના અહેવાલ છે. તેના જવાબમાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનમાં હૂતીના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર હુમલા કર્યા છે.

પેન્ટાગોનના તાજેતરના અંદાજ મુજબ, ઈરાન સાથેના યુદ્ધનો અમેરિકાના કરદાતાઓ પરનો ખર્ચ 47.1 અબજ ડૉલર સુધી પહોંચ્યો છે. વધતા પેટ્રોલના ભાવ અને મોંઘવારીને કારણે આ યુદ્ધ અમેરિકામાં રાજકીય મુદ્દો પણ બન્યું છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન યુદ્ધ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી છે, પરંતુ સાથે જ ચૂંટણી બાદ ફરી બોમ્બમારો કરવાની શક્યતા પણ નકારી નથી. હાલમાં અમેરિકી સૈન્ય ચૂંટણી બાદ કેટલા સમયમાં ફરી હુમલા કરવા સક્ષમ બનશે તે સ્પષ્ટ નથી. જોકે, અમેરિકાની ચેતવણીઓ અને ઈરાનના સંભવિત વળતા હુમલાની આશંકાને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે.