મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. અમેરિકાએ આ વિસ્તારમાં આવેલા પોતાના દૂતાવાસો અને નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે લોકોને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો કેમ્પ ડેવિડ પ્રવાસ એક દિવસ વહેલો પૂરો કરીને શનિવારે સાંજે વ્હાઇટ હાઉસ પરત ફર્યા. ટ્રમ્પ વહેલા પરત કેમ ફર્યા તેનું કારણ વ્હાઇટ હાઉસે જણાવ્યું નથી.
બીજી તરફ, રશિયા ટુડેના અહેવાલ મુજબ અમેરિકન B-1B લાન્સર બોમ્બરે બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પરથી ઉડાન ભરીને મધ્ય પૂર્વ તરફ પ્રયાણ કર્યું છે. ઈરાનના પ્રેસ ટીવીએ પણ ઉત્તર-પૂર્વી સીરિયાના અલ-હસકાહમાં અલ-જીર એરબેઝ નજીક એર ડિફેન્સની હલચલની માહિતી આપી છે.
અમેરિકાએ ઈરાક, બહેરીન, ઓમાન, સાઉદી અરેબિયા, ઈરાન, કતાર, લેબનોન, કુવૈત અને જોર્ડનમાં રહેતા પોતાના નાગરિકોને સાવધાન રહેવા કહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ ઝડપથી વધી શકે છે, તેથી આ દેશોની મુલાકાતે જતા અમેરિકનોને પણ સાવચેતી રાખવા સલાહ અપાઈ છે. નાગરિકોને ફ્લાઇટ અને એરપોર્ટ સંબંધિત તાજી માહિતી પર નજર રાખવા કહેવાયું છે.
ઈરાને ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા સામે 7 શરતો મૂકી છે. ઈરાનનું કહેવું છે કે જો અમેરિકા તેની માગણીઓ નહીં સ્વીકારે તો તે યુદ્ધ ચાલુ રાખવા તૈયાર છે. ઈરાનના સુરક્ષા વડા મોહસિન રેઝાઈએ અલ જઝીરાને જણાવ્યું કે કતારે મધ્યસ્થી તરીકે ઈરાનની શરતો અમેરિકા સુધી પહોંચાડી દીધી છે. હવે ઈરાન ટ્રમ્પના જવાબની રાહ જોઈ રહ્યું છે.
રેઝાઈના જણાવ્યા મુજબ ઈરાનની માગણીઓમાં તમામ મોરચે યુદ્ધ રોકવું, વિદેશોમાં ફ્રીઝ કરાયેલા ઈરાની ભંડોળને મુક્ત કરવું અને નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવી સામેલ છે.
સાઉદી અરેબિયાએ જણાવ્યું કે હૂતી બળવાખોરોએ તેની રાજધાની રિયાધ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સાઉદી સેનાના જણાવ્યા મુજબ તેણે મિસાઇલોને રસ્તામાં જ અટકાવી દીધી.
હૂતી પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું કે સંગઠને સાઉદી અરેબિયા પર ઘણી બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સાથે ડ્રોન પણ મોકલ્યા હતા. તેમના જણાવ્યા મુજબ રિયાધ અને સાઉદી તેલ કંપની અરામકોની યાનબૂ સ્થિત સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલા બાદ સાઉદી અરેબિયા અને હૂતી બળવાખોરો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.