સત્ય. સાહસ. સંકલ્પ.

યુદ્ધ વચ્ચે ન્યુયોર્કમાં અમેરિકા-ઈરાનની 3 કલાકની ઉચ્ચ સ્તરીય બેઠક, ઈરાને રજૂ કરી શરતો

યુદ્ધ વચ્ચે ન્યુયોર્કમાં અમેરિકા-ઈરાનની 3 કલાકની ઉચ્ચ સ્તરીય બેઠક, ઈરાને રજૂ કરી શરતો

ન્યુયોર્કમાં યુએન મહાસભા (UNGA) સત્ર દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે ત્રણ કલાકની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકી અધિકારીઓ સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર તથા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સામેલ થયા હતા.

બેઠકમાં ઈરાને હોર્મુજ ખાડી પૂર્ણપણે ખોલવા અને યુદ્ધ સમાપ્ત કરવા માટે કેટલીક શરતો રજૂ કરી હતી. ઈરાની સરકારી મીડિયાના દાવા મુજબ, આ બેઠક અમેરિકી પ્રતિનિધિ સ્ટીવ વિટકૉફની વિનંતી પર યોજાઈ હતી. ઈરાને નૌસૈનિક નાકાબંધી તરત જ હટાવવા, ફ્રિઝ કરેલા ઈરાની ફંડ તુરંત જારી કરવા અને તમામ મોરચે યુદ્ધ ખતમ કરવાની શરતો મૂકી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાનને સંપૂર્ણ તબાહીની ધમકી આપી હતી. યુએન મહાસભાને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન પાસે બે જ રસ્તા છે – સમજૂતી કરો અથવા તબાહીનો સામનો કરો. તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે ઈરાન અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ સુધી હોર્મુજ ખાડી ખોલવાની સમજૂતીને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પના ભાષણ દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળના મોટાભાગના સભ્યોએ વિરોધ સ્વરૂપે હોલ છોડી દીધો હતો.

આ ધમકીના થોડા જ કલાકો બાદ બંને દેશો વચ્ચે આ બેઠક યોજાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રમ્પે મંગળવારે જાતે જાહેરાત કરી હતી કે આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી અને લગભગ ત્રણ કલાક ચાલી હતી. જોકે, આ બેઠકના પગલે યુદ્ધવિરામ અને હોર્મુજ ખાડી સંબંધિત કોઈ સત્તાવાર સમજૂતી હજુ સુધી જાહેર થઈ નથી.