સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત પર 100% ટેરિફની દિશામાં અમેરિકી કાયદો વધ્યો, હાઉસમાં આજે મતદાન

ભારત પર 100% ટેરિફની દિશામાં અમેરિકી કાયદો વધ્યો, હાઉસમાં આજે મતદાન

અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રશિયા પર પ્રતિબંધો લાદતા બિલ પર આજે બુધવારે મતદાન થવાની ધારણા છે. આ બિલમાં રશિયન તેલ ખરીદતા દેશો પર 100% સુધી ટેરિફ લગાવવાની જોગવાઈ છે, જેમાં ભારતનું નામ પણ સામેલ છે.

બિલનું નામ 'Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026' છે. અમેરિકી સેનેટે ગયા મહિને આ બિલ 86-11 મતથી પસાર કર્યું હતું. હાલ બિલ હાઉસમાં છે. હાઉસ રુલ્સ કમિટી દ્વારા આગળની વિચારણા માટે મંજૂરી આપવામાં આવી છે.

મંગળવારે 15 સપ્ટેમ્બરે હાઉસમાં પ્રક્રિયાગત મતદાનમાં ઠરાવ 214-211થી પસાર થયો. બે ડેમોક્રેટિક સભ્યોએ પક્ષની લાઇન તોડીને રિપબ્લિકન સાથે મત આપ્યો. જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

હાઉસ ફોરેન અફેર્સ કમિટીના સભ્ય, ડેમોક્રેટિક કોંગ્રેસમેન ગ્રેગરી મીક્સે સોમવારે બિલનો વિરોધ કર્યો. તેમણે દલીલ કરી કે બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોઈપણ સુરક્ષા વગર ટેરિફ લાદવાની અમર્યાદિત સત્તા આપે છે.

કોંગ્રેસમેન સ્ટેની હોયરે એક સુધારો રજૂ કર્યો, જેમાં 10 દેશોને 100% સુધીના ટેરિફ માટે પાત્ર ઠેરવવામાં આવ્યા. આ દેશોમાં ચીન, ભારત, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લિક, સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગીઝ રિપબ્લિકનો સમાવેશ થાય છે.

આ સુધારાનો અર્થ એ નથી કે ભારત પર તરત જ 100% ટેરિફ લાગી જશે. પરંતુ જો બિલ કાયદો બને અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સત્તાનો ઉપયોગ કરે, તો ભારત આવા ટેરિફ માટે પાત્ર બની શકે છે.

સેનેટમાં પસાર થયેલા સંસ્કરણમાં દેશોના નામ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યા ન હતા. તેમાં રશિયન તેલ અને ગેસના પાંચ સૌથી મોટા આયાતકારોનો ઉલ્લેખ હતો. બિલમાં રશિયાના નેતૃત્વ અને ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લાદવા તથા પ્રતિબંધોથી બચવા માટે ઉપયોગમાં લેવાતા જહાજો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

અમેરિકાનું કહેવું છે કે રશિયા 'શેડો ફ્લીટ' નામથી ઓળખાતા જહાજો મારફતે ક્રૂડ ઓઇલ વેચીને યુક્રેન સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે. ભારત અને ચીન હાલ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે, તેથી બંને દેશો ચર્ચાના કેન્દ્રમાં છે.