સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકી કોંગ્રેસે ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફની સત્તા ટ્રમ્પને આપી

અમેરિકી કોંગ્રેસે ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફની સત્તા ટ્રમ્પને આપી

અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે 262 વિરુદ્ધ 159 મતોથી ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્કશનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ 2026’ નામનું બિલ પસાર કર્યું છે. આ બિલમાં રશિયા પર કડક પ્રતિબંધો મૂકવાની જોગવાઈ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન તેલ-ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો પર 100 ટકા સુધીનો આયાત શુલ્ક લાદવાની સત્તા આપવામાં આવી છે.

આ પાંચ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન પણ આ યાદીમાં આવી શકે છે. આ બિલ પહેલેથી જ સેનેટમાં મોટી બહુમતીથી પસાર થઈ ગયું છે, એટલે હવે તે મંજૂરી અને કાયદામાં હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે જશે.

આ બિલ એવા સમયે પસાર થયું છે જ્યારે સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ આ અઠવાડિયે અચાનક તેને મતદાન માટે રજૂ કર્યું. એક અઠવાડિયા પહેલાં સુધી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં ટ્રમ્પને ટેરિફ લગાવવાની વધુ સત્તા આપવાના મુદ્દે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે મતભેદ હતા. તેથી બિલ પસાર થવું મુશ્કેલ લાગી રહ્યું હતું.

સોમવાર, 14 સપ્ટેમ્બરના રોજ હાઉસ રૂલ્સ કમિટીએ પ્રક્રિયાત્મક અડચણ દૂર કરી હતી, જેના કારણે બિલ આગળ વધવાનો માર્ગ સરળ બન્યો હતો. મંગળવારે (15 સપ્ટેમ્બર) હાઉસે 214-211ના સાંકડા અંતરથી નક્કી કર્યું કે બુધવારે (16 સપ્ટેમ્બર) બિલ પર અંતિમ મતદાન કરવામાં આવશે. આ મતદાનમાં બે ડેમોક્રેટિક સાંસદોએ પોતાની પાર્ટીના વલણથી અલગ જઈને રિપબ્લિકન સાંસદોના સમર્થનમાં મત આપ્યો હતો.

ભારત પર અસર: ભારત રશિયન તેલનું એક મોટું ખરીદનાર દેશ છે. જો ટ્રમ્પ આ બિલ પર હસ્તાક્ષર કરે અને ભારત પર 100% ટેરિફ લાદવામાં આવે, તો ભારતીય નિકાસ મોંઘી બનશે, જેની અસર વેપાર, ઉત્પાદન અને ભાવો પર પડી શકે છે. જોકે, આ બિલ હજી કાયદો બન્યું નથી અને ટ્રમ્પ તેનો ઉપયોગ કેવી રીતે કરશે તે નક્કી થવાનું બાકી છે.