વોશિંગ્ટન: અમેરિકામાં H-1B વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે કંપનીઓને ચેતવણી આપી છે કે H-1B વિઝાનો ઉપયોગ બિઝનેસ ચલાવવાની કાયમી વ્યૂહરચના તરીકે ન કરવો જોઈએ. આ નિવેદન પછી ભારતની મોટી આઈટી કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ પર તપાસનું દબાણ વધી શકે છે.
અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી'એસ્પોઝિટોએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે H-1B વિઝા કામચલાઉ વ્યવસ્થા છે. અમેરિકામાં જ્યારે તે જ કામ કરવા સક્ષમ અને તૈયાર કર્મચારી ઉપલબ્ધ ન હોય ત્યારે જ કંપનીઓએ વિદેશી કર્મચારીઓને આવા વિઝા પર નોકરી આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે વિઝા વ્યવસ્થાને બિઝનેસ મોડલ બનાવી શકાય નહીં.
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઓક્ટોબરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે માઇક્રોસોફ્ટ, એડોબી અને છ મોટી આઈટી આઉટસોસિંગ કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી હતી. આ લિસ્ટમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ, કોગ્નિઝન્ટ અને કેપજેમિનીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી આ કંપનીઓ દ્વારા વિદેશી કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા અટકી છે.
અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે કેટલીક કંપનીઓ વિદેશી કર્મચારીઓને ઓછા પગારે નોકરી પર રાખીને અમેરિકાના સ્થાનિકોની જગ્યા લઈ રહી છે.
ડી'એસ્પોઝિટોએ સંકેત આપ્યો છે કે તપાસ આગળ વધતાં અન્ય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ આવી કાર્યવાહી થઈ શકે છે. તેમની ઓફિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની વ્હાઇટ હાઉસ ફ્રોડ ટાસ્ક ફોર્સ સાથે મળીને કામ કરી રહી છે.