સત્ય. સાહસ. સંકલ્પ.

H-1B વિઝા નિયમોમાં મોટો ફેરફાર: અમેરિકાએ ચેતવણી આપી, ભારતીય પ્રોફેશનલ્સમાં ચિંતા

H-1B વિઝા નિયમોમાં મોટો ફેરફાર: અમેરિકાએ ચેતવણી આપી, ભારતીય પ્રોફેશનલ્સમાં ચિંતા

અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ અને એન્જિનિયરો માટે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. અમેરિકી સરકાર H-1B વિઝા નિયમોમાં કડક વલણ અપનાવી રહી છે. વિઝા ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને ઘણા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હવે ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા નિયમોને વધુ કડક બનાવવાની અને સંભવતઃ આ પ્રોગ્રામને ધરમૂળથી બદલવાની તૈયારી કરી રહ્યું છે. છેતરપિંડી આચરનારા એમ્પ્લોયર્સ સામે કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.

365 દિવસમાં સંપૂર્ણ સિસ્ટમ બદલાઈ જશે: ઇન્સ્પેક્ટર જનરલનો ખુલાસો

અમેરિકી શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી'એસ્પોસિટોએ એક અમેરિકન કોમેન્ટેટર અને યુટ્યુબરને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વિઝાના નામે ગેરરીતિ આચરનારા અને બોગસ શેલ કંપનીઓ દ્વારા કૌભાંડ ચલાવનારા લોકો વિરુદ્ધ ફોજદારી ગુના નોંધીને ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. આગામી 365 દિવસની અંદર વિદેશી શ્રમ વિઝા વ્યવસ્થાનું સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જશે. સરકાર H-1B વિઝા પ્રોગ્રામ સાથે જોડાયેલી છેતરપિંડી, કર્મચારીઓનું શોષણ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગંભીર આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર સૌથી મોટો ફટકો

H-1B વિઝા પ્રોગ્રામમાં થતા કોઈપણ ફેરફારની સીધી અસર ભારતીયો પર પડે છે. અમેરિકી IT કંપનીઓ, ટેક સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરતા કુલ H-1B વિઝા ધારકોમાંથી 70 ટકાથી વધુ હિસ્સેદારી માત્ર ભારતીય પ્રોફેશનલ્સની છે. જો આ પ્રોગ્રામ બંધ કે અત્યંત મર્યાદિત થાય, તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, યુએસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોની કરિયરને ભારે ફટકો પડશે. અમેરિકામાં અગાઉથી કાર્યરત ભારતીયો માટે વિઝા રિન્યુઅલ અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં નવા મોટા અવરોધો ઊભા થશે.

દિગ્ગજ IT કંપનીઓ તપાસ એજન્સીઓના નિશાના પર

વિદેશી કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા આચરવા બદલ તપાસ એજન્સીઓએ મોટી કંપનીઓ સામે પણ કાર્યવાહી તેજ કરી છે. ફોજદારી તપાસના કારણે ટેક ક્ષેત્રની અગ્રણી કંપનીઓ કોગ્નિઝન્ટ અને ક્લાઉડેરા સાથે જોડાયેલી નવી H-1B/PERM અરજીઓ હાલ પૂરતી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. યુએસ શ્રમ વિભાગ અનુસાર, તપાસ અધિકારીઓએ ડઝનબંધ સમન્સ પાઠવ્યા છે અને અનેક શંકાસ્પદ સ્થળો પર સર્ચ વોરંટ સાથે દરોડા પાડ્યા છે.

શું છે 'પ્રોજેક્ટ ફાયરવોલ'?

વિદેશી પ્રોફેશનલ્સના બદલે અમેરિકન નાગરિકોની નોકરીઓને પ્રાથમિકતા આપવા માટે સપ્ટેમ્બર 2025માં યુએસ સરકારે 'પ્રોજેક્ટ ફાયરવોલ' લોન્ચ કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ કુશળ અમેરિકન કર્મચારીઓના પગાર ધોરણો, અધિકારો અને રોજગારીની તકોનું રક્ષણ કરવાનો છે, જેથી કંપનીઓ વિદેશી કામદારોને પસંદ કરવાને બદલે પહેલા યોગ્ય અમેરિકન નાગરિકોને નોકરી આપે. ટ્રમ્પ પ્રશાસને શ્રમ, હોમલેન્ડ સિક્યોરિટી અને વિદેશ વિભાગને કડક આદેશ આપ્યો છે કે કોઈપણ કંપનીની H-1B અરજી તપાસતી વખતે એ ચકાસવામાં આવે કે કંપનીએ તાજેતરમાં તે જ પદ પરથી કોઈ અમેરિકન કર્મચારીની છટણી તો નથી કરી ને? આ સાથે સરકારે H-1B કેટેગરી હેઠળના અમુક ચોક્કસ વિઝા ધારકોના યુએસ પ્રવેશ પરના પ્રતિબંધને 21 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવી દીધો છે.

શું છે H-1B વિઝા અને તેનો વાર્ષિક ક્વોટા?

H-1B એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકી કંપનીઓને ટેકનોલોજી અને વિશેષ કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં વિદેશી નિષ્ણાતોને હાયર કરવાની કાનૂની પરવાનગી આપે છે. સામાન્ય રીતે દર વર્ષે 85,000 વિઝા આપવામાં આવે છે, જેમાં 20,000 વિઝા અમેરિકન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે અલગ રાખવામાં આવે છે.