અમેરિકાએ ભારતની અગ્રણી આઈટી કંપનીઓ TCS, ઇન્ફોસિસ, વિપ્રો, HCL, કોગ્નિઝન્ટ તેમજ વૈશ્વિક કંપનીઓ માઇક્રોસોફ્ટ, એડોબ અને કેપજેમિની માટે ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીઓ હવે 'પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ' (PERM) હેઠળ નવી અરજીઓ કરી શકશે નહીં અને પેન્ડિંગ અરજીઓ પણ પ્રોસેસ થશે નહીં. PERM એ કુશળ વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ મેળવવાનો મુખ્ય માર્ગ ગણાય છે.
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, અમારો સ્પષ્ટ સંદેશ છે કે કંપનીઓએ હવે અમેરિકન કામદારોને નોકરી આપવી પડશે. પ્રશાસન H-1B અને J-1 વિઝાના નિયમોમાં મોટા ફેરફાર કરી રહ્યું છે, જેથી વિદેશી કર્મચારીઓ પરની નિર્ભરતા ઘટે અને સ્થાનિક રોજગારને વેગ મળે.
શ્રમ સચિવ કીથ સોન્ડરલિંગે જણાવ્યું કે શ્રમ વિભાગ આ કંપનીઓ પાસેથી નવી અરજીઓ સ્વીકારશે નહીં અને અગાઉની પેન્ડિંગ અરજીઓ પણ પ્રોસેસ કરશે નહીં. મુખ્ય આઉટસોર્સિંગ કંપનીઓ સામે નિયમોના ઉલ્લંઘન અને ખામીઓનો લાભ લેવાના કારણે પ્રતિબંધ મૂકાયો છે, જ્યારે માઇક્રોસોફ્ટ અને એડોબ સામે ચાલી રહેલી ફેડરલ તપાસને કારણે આ રોક લગાવાઈ છે. ન્યાય વિભાગે અમેરિકન ઉમેદવારોને નજરઅંદાજ કરીને વિદેશી કર્મચારીઓની ભરતી કરવાના મામલે ઊંડી તપાસ શરૂ કરી છે. હાર્વર્ડ, યેલ, સ્ટેનફોર્ડ અને MIT જેવી 9 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને J-1 વિઝાના દુરુપયોગ મુદ્દે સમન્સ પાઠવવામાં આવ્યા છે.
આ પ્રતિબંધથી ભારતીય આઈટી સેક્ટર અને ત્યાં કામ કરતા હજારો પ્રોફેશનલ્સ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, આ નિર્ણયથી વર્તમાન H-1B વિઝા સીધા રદ થતા નથી, પરંતુ કામચલાઉ વિઝા પરથી કાયમી રહેઠાણ (ગ્રીન કાર્ડ) મેળવવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ખાસ કરીને જે કર્મચારીઓની 6 વર્ષની H-1B વિઝા મર્યાદા પૂરી થવા આવી છે, તેમના માટે અમેરિકામાં વધુ સમય રોકાવું પડકારજનક બનશે. આ કડક આદેશના અહેવાલો બહાર આવતાં જ ભારતીય આઈટી કંપનીઓના શેરોમાં શરૂઆતના કારોબારમાં જ મોટો કડાકો જોવા મળ્યો હતો.