સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકન ગ્રીન કાર્ડ માટે ભારતીયોને 179 વર્ષ રાહ જોવી પડશે: અહેવાલ

અમેરિકન ગ્રીન કાર્ડ માટે ભારતીયોને 179 વર્ષ રાહ જોવી પડશે: અહેવાલ

અમેરિકામાં કાયમી વસવાટ મેળવવા ઈચ્છતા ભારતીયો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના તાજા અહેવાલ મુજબ, એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ EB-2 કેટેગરીમાં નવા અરજદારને ગ્રીન કાર્ડ મળવા માટે 179 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. આટલો લાંબો સમયગાળો કન્ટ્રી-બેઝ્ડ લિમિટ અને વિશાળ બેકલોગને કારણે સર્જાયો છે.

સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ ભારતીય પ્રોફેશનલ આજે EB-2 કેટેગરીમાં અરજી કરે, તો તેનો વારો લગભગ વર્ષ 2205માં આવી શકે છે. આ સ્થિતિ અમેરિકામાં રહેતા હજારો H-1B વિઝા ધારકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

અહેવાલ મુજબ, EB-2 કેટેગરીમાં સૌથી લાંબી રાહ છે, જ્યારે EB-3 કેટેગરીમાં 38 વર્ષ અને EB-1 કેટેગરીમાં લગભગ 4-5 વર્ષની રાહ જોવી પડી શકે છે. ડિસેમ્બર 2025 સુધીના આંકડા અનુસાર, લગભગ 10 લાખ ભારતીયો એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ઇમિગ્રેશન બેકલોગમાં છે. ત્રણેય મુખ્ય શ્રેણીઓ (EB-1, EB-2, EB-3)નો સરવાળો કરીએ તો કુલ બેકલોગ 12.6 લાખ સુધી પહોંચી ગયો છે.

આટલી લાંબી રાહ પાછળનું મુખ્ય કારણ અમેરિકન ઇમિગ્રેશન કાયદામાં નિર્ધારિત મર્યાદા છે. દર વર્ષે માત્ર 140,000 એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ ઇશ્યૂ થાય છે અને કોઈપણ એક દેશના નાગરિકોને તેમાંથી માત્ર 7% જ મળી શકે છે. ભારતમાંથી આવતા કુશળ કામદારોની સંખ્યા લાખોમાં હોવાથી આ મર્યાદાને કારણે મોટો બેકલોગ સર્જાયો છે.

આ લાંબી રાહ માત્ર પ્રક્રિયાગત નથી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીય પરિવારો માટે અનિશ્ચિતતાનું જીવન ઊભું કરે છે. મોટાભાગના ભારતીયો H-1B અસ્થાયી વિઝા પર ત્યાં રહે છે, તેથી તેઓ કરિયર, બાળકોના શિક્ષણ કે પ્રોપર્ટી જેવા લાંબા ગાળાના નિર્ણયો લઈ શકતા નથી. અમેરિકન કંપનીઓ માટે પણ વૈશ્વિક પ્રતિભાને આકર્ષવી મુશ્કેલ બની છે.

આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે, જેમાં ડિપોર્ટેશન, વિઝા રદ અને આકરી તપાસનો સમાવેશ થાય છે. વર્ક વિઝા અરજદારો માટે નવી ભારેખમ ફી પણ લાદવામાં આવી છે. આટલું બધું હોવા છતાં, ભારતમાં જન્મેલા લોકો અમેરિકામાં વિદેશી જન્મેલા જૂથોમાં બીજા ક્રમે છે; 2024 સુધીમાં તેમની વસ્તી લગભગ 32 લાખ હતી.