સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-ચીન પર 100% ટેરિફ નહીં લાગે? ટ્રમ્પનો યુરોપ પાસેથી પીછેહઠનો ખુલાસો

ભારત-ચીન પર 100% ટેરિફ નહીં લાગે? ટ્રમ્પનો યુરોપ પાસેથી પીછેહઠનો ખુલાસો

રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવા બદલ ભારત અને ચીન સામે પ્રતિબંધો લગાવવાની અમેરિકાની યોજનાને લઈને મોટો ખુલાસો થયો છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે સ્વીકાર્યું છે કે વોશિંગ્ટન ઈચ્છતું હતું કે યુરોપિયન દેશો ભારત અને ચીન સામે 'સેકન્ડરી સેંક્શન્સ' એટલે કે દ્વિતીય પ્રતિબંધો લગાવે, પરંતુ યુરોપિયન સહયોગીઓએ આ પ્રસ્તાવ સ્પષ્ટપણે ફગાવી દીધો હતો.

અમેરિકન ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન બેસેન્ટે યુરોપની નીતિ પર સવાલ ઉઠાવ્યો હતો કે જો યુરોપ જ તૈયાર નથી, તો પછી એકલું અમેરિકા આ આર્થિક બોજ કેમ ઉઠાવે? તેમણે આરોપ લગાવ્યો કે યુરોપિયન દેશો પોતે હજુ પણ મોટા પ્રમાણમાં રશિયન ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ જ રશિયાને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યા છે.

અમેરિકાએ તાજેતરમાં 100% ટેરિફ લાગુ ન કરીને જે રાહત આપી છે તે કાયમી નથી, પરંતુ માત્ર 60 દિવસની અસ્થાયી રોક છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે પ્રમુખ ટ્રમ્પ આ સમયગાળાનો ઉપયોગ વૈશ્વિક અને અમેરિકન અર્થતંત્ર પર આ ટેરિફ અને પ્રતિબંધોની અસર તપાસવા માટે કરવા માગે છે.

આ ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ભારત અને ચીનને ઘેરવા માટે યુરોપનું સમર્થન મેળવવા માગતું હતું, પરંતુ યુરોપની પીછેહઠ બાદ ટ્રમ્પ પ્રશાસનને પોતાની નીતિમાં નરમાઈ લાવવી પડી છે. જોકે, અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષના કેટલાક સાંસદો આ છૂટનો વિરોધ પણ કરી રહ્યા છે.

ભારત માટે આ 60 દિવસની રાહત અસ્થાયી છે, જે ભવિષ્યમાં અનિશ્ચિતતા ઊભી કરે છે.