સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં ડીઝલ 6 ડૉલર પ્રતિ ગેલન પાર, ટ્રમ્પ સામે મોંઘવારીનો પડકાર

અમેરિકામાં ડીઝલ 6 ડૉલર પ્રતિ ગેલન પાર, ટ્રમ્પ સામે મોંઘવારીનો પડકાર

અમેરિકામાં મોંઘવારી સતત વધી રહી છે અને ડીઝલના ભાવ પ્રતિ ગેલન 6 ડૉલરને પાર થઈ ગયા છે. આ કારણે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આર્થિક દબાણ વધ્યું છે. ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઇંધણ પુરવઠો ખોરવાયો છે, જેની સીધી અસર અમેરિકન અર્થતંત્ર પર પડી છે.

શ્રમ વિભાગના તાજેતરના આંકડા પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં ગ્રાહક ભાવાંકમાં ગત વર્ષની સરખામણીએ 3.4%નો વધારો થયો છે. માસિક ધોરણે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ભાવ 0.4% વધ્યા છે, જે અગાઉના મહિને 0.1% હતા. કોવિડ-19 મહામારી બાદ પહેલીવાર મોંઘવારી આ સ્તરે પહોંચી છે, જે યુએસ ફેડરલ રિઝર્વ માટે મોટો પડકાર છે. મધ્યાવધિ ચૂંટણી નજીક હોવાથી ટ્રમ્પ પ્રશાસન માટે આ સ્થિતિ વધુ અઘરી બની છે.

મોટર ક્લબ ટ્રિપલ એ (AAA)ના જણાવ્યા અનુસાર, ડીઝલની રાષ્ટ્રીય સરેરાશ કિંમત 6.05 ડૉલર પ્રતિ ગેલન છે. ગયા અઠવાડિયે આ ભાવ 5.85 ડૉલર હતો, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 3.70 ડૉલર હતો. ડીઝલ મોંઘું થવાથી પરિવહન અને માલસામાનની હેરફેરનો ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર રોજિંદી વસ્તુઓની કિંમતો પર થાય છે.

ઇંધણના ઊંચા ભાવ અને વધતી વ્યાજદરોને કારણે અમેરિકામાં ઘરોના વેચાણમાં પણ મંદી જોવા મળી છે. વેપારીઓએ ઓનલાઈન ઓર્ડર અને ડિલિવરી પર વધારાનો ચાર્જ લાદવાનું શરૂ કર્યું છે, જે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ વધારે છે.