ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું છે કે તેણે ઈરાનના પાંચ કાચા તેલના ટેન્કરોનો નાશ કર્યો છે. આ કાર્યવાહી ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા અમેરિકી નૌસેનાના યુદ્ધજહાજ પર છેલ્લા બે દિવસમાં બે વખત મિસાઇલ હુમલાના પ્રયાસ બાદ કરવામાં આવી છે.
CENTCOM અનુસાર, IRGC એ અમેરિકી યુદ્ધજહાજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુદ્ધજહાજ મિસાઇલોને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યું અને કોઈ અમેરિકી સૈનિકને ઈજા થઈ નથી. આ હુમલાના જવાબમાં અમેરિકી સેનાએ IRGC ના તેલ દાણચોરી નેટવર્ક સાથે સંકળાયેલા માનવામાં આવતા પાંચ ટેન્કરોને નિશાન બનાવ્યા.
ઓમાનની ખાડીમાં આવેલા એમટી કવિઝ, એમટી ચારમીનાર, એમટી હોરાઈઝન 1 અને એમટી રીસ્કો તેમજ ઈરાનના ખાર્ગ ટાપુ નજીક એમટી ડેર્યા સહિતના ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
આ ઘટનાથી ખાડી પ્રદેશમાં તણાવ વધુ વધી શકે છે, જેના કારણે વૈશ્વિક તેલ ક્ષેત્રે અસર થવાની શક્યતા છે.