સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકન કોર્ટે ટ્રમ્પના નવા નાગરિકતા આદેશ પર રોક લગાવી

અમેરિકન કોર્ટે ટ્રમ્પના નવા નાગરિકતા આદેશ પર રોક લગાવી

વોશિંગ્ટન ડીસી: અમેરિકાની મેરીલેન્ડ ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરના આદેશ પર અસ્થાયી રોક લગાવી છે. આ આદેશમાં કેટલાક ખાસ કિસ્સાઓમાં જન્મથી મળતી અમેરિકન નાગરિકતા રોકવાની જોગવાઈ હતી, જેમાં 'બર્થ ટુરિઝમ' એટલે કે બાળકને અમેરિકન નાગરિકતા અપાવવા ખાસ અમેરિકા આવીને પ્રસૂતિ કરાવવાના કિસ્સાઓનો સમાવેશ થતો હતો.

કોર્ટે કહ્યું કે આ આદેશ બંધારણમાં આપેલા જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારની વિરુદ્ધ હોઈ શકે છે. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે સરકાર જન્મથી મળેલી નાગરિકતા છીનવી શકે નહીં. આ ચુકાદા બાદ વિદેશ મંત્રાલય, ગૃહ સુરક્ષા વિભાગ અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન અસરગ્રસ્ત બાળકોની નાગરિકતા રોકવાની કાર્યવાહી કરી શકશે નહીં.

ટ્રમ્પ પ્રશાસને કોર્ટના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે, પણ કોર્ટે કહ્યું કે આ મામલે તાત્કાલિક દરમિયાનગીરી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના રોજ પહેલો આદેશ આપ્યો હતો, જેના પર પણ કોર્ટમાં રોક લાગી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે તેને સમાપ્ત કર્યો હતો. હવે નવા આદેશ પર પણ કોર્ટમાં પડકાર થયો છે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં ઇમિગ્રેશન અને નાગરિકતાના મુદ્દે રાજકીય ખેંચતાણ ચાલુ છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બંધારણીય અધિકારોનું રક્ષણ જરૂરી છે.