સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાન યુદ્ધમાં સૈનિકોના મોત અંગે ખોટું નિવેદન આપવા બદલ અમેરિકન મંત્રીની જાહેર માફી

ઈરાન યુદ્ધમાં સૈનિકોના મોત અંગે ખોટું નિવેદન આપવા બદલ અમેરિકન મંત્રીની જાહેર માફી

અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ઈરાન યુદ્ધમાં અમેરિકન સૈનિકોના મોત અંગે આપેલા ખોટા નિવેદન બદલ જાહેરમાં માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું છે કે ઈરાનમાં અમેરિકન સેનાના 18 જવાનો શહીદ થયા છે.

લુટનિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે લખ્યું હતું કે, 'ગઈકાલે G20 ઇનોવેશન સમિટમાં AI વિષય પર બોલતી વખતે ઈરાનમાં સૈન્ય કાર્યવાહી અંગેના એક પ્રશ્નનો જવાબ આપતા મારાથી ખોટું નિવેદન અપાઈ ગયું હતું. આપણી સેનાના 18 જવાનોએ જીવ ગુમાવ્યો છે, જે પરિવારો માટે મારું દિલ અત્યંત દુઃખી છે. આ નુકસાન બદલ હું ખૂબ ખેદ વ્યક્ત કરું છું.'

લુટનિકે સ્પષ્ટતા કરી હતી કે તેઓ વેનેઝુએલાના સૈન્ય અભિયાન વિશે વિચારી રહ્યા હતા, જેમાં કોઈ સૈન્યકર્મીનું મોત થયું નહોતું. તેમણે 9/11 હુમલાની 25મી વરસી નજીક આવી રહી છે તેનો ઉલ્લેખ કરીને અમેરિકન સેના અને જવાનોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

લુટનિકનું આ વિવાદાસ્પદ નિવેદન બુધવારે સવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આવ્યું હતું. જોકે, ગુરુવારે સવારે આ મુદ્દો ઘેરો બનતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પની પોસ્ટના આશરે 45 મિનિટ બાદ લુટનિકે સત્તાવાર માફી માંગી હતી.

ઈરાન યુદ્ધમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા જવાનોની સાચી માહિતી આપવા અંગે અમેરિકન પ્રશાસન સતત સવાલોના ઘેરામાં રહ્યું છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં સંરક્ષણ વિભાગની વેબસાઇટ પરથી ચાર મોત અને ડઝનબંધ ઘાયલોના આંકડા અચાનક હટાવી દેવામાં આવ્યા બાદ વિવાદ વધ્યો હતો.