એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોદેઈના AI ડેવલપમેન્ટની ગતિ ધીમી કરવાના પ્રસ્તાવને ચીને 'કોલ્ડ વોર પ્લેબુક' ગણાવ્યો છે. ચીની સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ'એ કહ્યું કે સુરક્ષાના નામે AIની ગતિ રોકવાની માંગ અમેરિકાના ટેકનિકલ એકાધિકારને જાળવી રાખવાનું એક ષડયંત્ર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કેટલાક લોકો કારણ વગરનો ડર પેદા કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, “અમે AI ના મામલે ચીનથી આગળ છીએ. અમે દુનિયામાં સૌથી આગળ છીએ અને હું તેને આમ જ રાખવા માંગુ છું, કારણ કે જે AIની રેસ જીતશે, તે જ દુનિયા પર રાજ કરશે.”
ગ્લોબલ ટાઈમ્સે એક કાર્ટૂન દ્વારા અમેરિકા પર નિશાન સાધ્યું છે. કાર્ટૂનમાં અંકલ સેમ (અમેરિકા)ને ઓપન-સોર્સ AIના રસ્તામાં ઈંટની દીવાલ બનાવતા બતાવવામાં આવ્યા છે, જેથી ચીનના વધતા પ્રભુત્વને રોકી શકાય.
ડારિયો અમોદેઈએ એક લેખમાં AI બનાવવાની ગતિ થોડી ધીમી કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે તેનાથી AI સાથે સંકળાયેલા જોખમોને સમજવા અને તેનો સામનો કરવાનો સમય મળી જશે. OpenAIના CEO સેમ ઓલ્ટમેન અને ઈલોન મસ્કે પણ આ વાતને સમર્થન આપ્યું છે.
ડારિયોએ અમેરિકી સરકાર પાસે માંગ કરી હતી કે ચીનને મોકલવામાં આવતી કમ્પ્યુટર ચિપ્સ પર વધુ સખ્તાઈ કરવામાં આવે. મોડેલ ડિસ્ટિલેશન પર પણ રોક લગાવવામાં આવે. મોડેલ ડિસ્ટિલેશનનો અર્થ છે કે અમેરિકાના મોંઘા અને એડવાન્સ્ડ AI મોડેલમાંથી પ્રશ્ન-જવાબનો ડેટા લઈને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં પોતાનું નવું AI તૈયાર કરી લેવું. ચીનની ઘણી લેબ્સ આવું કરી રહી છે.
ડારિયોએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે જો અમેરિકા ગતિ ધીમી કરે છે અને ચીન આવું કરતું નથી, તો આ સૌથી મોટો પડકાર હશે.
ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ'એ લખ્યું કે ડારિયો અમોદેઈનો અસલી હેતુ AI નિયમોનું બહાનું બનાવીને ચીનના ટેક ડેવલપમેન્ટને રોકવાનો છે. અખબારે લખ્યું, “આ એક છુપાયેલું AI કોલ્ડવોર છે. AIના વિકાસમાંથી ચીનને બહાર રાખવાથી આખી દુનિયાને નુકસાન થશે.”
અમેરિકા અને ચીની અધિકારીઓ આ જ મહિને AI ના જોખમો પર ચર્ચા કરવાના છે. 24 સપ્ટેમ્બરની સમિટમાં ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે પણ આ મુદ્દા પર વાત થઈ શકે છે.