અમેરિકાએ બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પરથી તેના તમામ લાંબા અંતરના બોમ્બર વિમાનો તાત્કાલિક પાછા અમેરિકા બોલાવી લીધા છે. એરબેઝને નિશાન બનાવવાના કથિત ઈરાની ષડયંત્ર વચ્ચે એક નવી અને અજાણી ધમકી મળ્યા બાદ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.
એક અમેરિકી સંરક્ષણ અધિકારીએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'અમે પુષ્ટિ કરીએ છીએ કે RAF ફેરફોર્ડમાં તહેનાત તમામ અમેરિકી બોમ્બર વિમાનોને પાછા તેમના હોમ બેઝ પર મોકલી દેવામાં આવ્યા છે.' જોકે, અધિકારીએ સુરક્ષા કારણોનો હવાલો આપતા ધમકીના ચોક્કસ સ્વરૂપ કે વિમાનોને અચાનક હટાવવાના મુખ્ય કારણનો ખુલાસો કર્યો નથી.
એક સૂત્રએ આ ધમકીને અત્યંત ગંભીર અને વાસ્તવિક ગણાવી છે. નિષ્ણાતોના મતે બોમ્બર્સને યુરોપના કોઈ અન્ય બેઝ પર મોકલવાને બદલે સીધા અમેરિકા બોલાવવું એ અસામાન્ય પગલું છે.
RAF ફેરફોર્ડ અમેરિકી ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડનું મહત્વનું વ્યૂહાત્મક સ્થળ છે. લાંબા અંતરના હુમલા અને ઈરાન સામેના અભિયાનોમાં સામેલ અમેરિકી B-1 બોમ્બર વિમાનોની તહેનાતી માટે તેનો ઉપયોગ થતો રહ્યો છે.
આ કાર્યવાહી એરબેઝની સુરક્ષામાં ગાબડું પાડવાના કથિત ઈરાની ષડયંત્રના સિલસિલામાં થયેલી ધરપકડોના તરત જ બાદ સામે આવી છે. બ્રિટિશ પોલીસે 27 સપ્ટેમ્બરે RAF ફેરફોર્ડ પાસે આતંકવાદ અને વિસ્ફોટક ગુનાઓના શંકાના આધારે 23 થી 25 વર્ષની વયના પાંચ બ્રિટિશ નાગરિકોની ધરપકડ કરી હતી. પાછળથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, જેની અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આકરી ટીકા કરી હતી.
આ ઉપરાંત ગુરુવારે આ જ ષડયંત્રના સિલસિલામાં 25 વર્ષીય એક બ્રિટિશ-ઈરાની બેવડી નાગરિકતા ધરાવતા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ, ઈરાને આ સમગ્ર મામલે પોતાની કોઈપણ પ્રકારની ભૂમિકાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ તણાવ વચ્ચે તહેરાનમાં તહેનાત બ્રિટિશ રાજદૂતને પણ તેડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.