અમેરિકામાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની એર ટ્રાફિક કંટ્રોલ કોમ્યુનિકેશન સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખરાબી સર્જાઈ છે, જેના કારણે શનિવાર અને રવિવારે પણ હવાઈ સેવાઓ ખોરવાયેલી રહી છે. એવિયેશન ટ્રેકિંગ વેબસાઇટ 'ફ્લાઇટઅવેર'ના આંકડા મુજબ, શુક્રવારે હજારો ફ્લાઇટ્સ પ્રભાવિત થયા બાદ શનિવારે 6,150થી વધુ ઉડાનો રદ કરવામાં આવી હતી અને 7,300થી વધુ વિમાનો મોડા પડ્યા હતા. રવિવાર માટે નિર્ધારિત 530થી વધુ ફ્લાઇટ્સ અગાઉથી જ રદ કરવામાં આવી છે.
પરિવહન સચિવ શૉન ડફીના જણાવ્યા અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું હાર્ડવેર ખૂબ જૂનું હોવાને કારણે આ ખરાબી સર્જાઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ સાયબર હુમલો નહોતો. 9/11 પછીની આ સૌથી મોટી હવાઈ કટોકટી બાદ FAAના પ્રમુખ બ્રાયન બેડફોર્ડે મુસાફરોની માફી માગી છે અને જણાવ્યું છે કે સિસ્ટમ સ્થિર થઈ રહી છે, પરંતુ રવિવાર સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે.
ડેનવર સહિતના અનેક મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. હવાઈ સેવાઓ ઠપ થવાના કારણે એરલાઇન્સ કંપનીઓ સામે વિમાનો, પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બર્સના શેડ્યુલ ફરીથી ગોઠવવાનો મોટો પડકાર ઊભો થયો છે. અધિકારીઓ સામાન્ય સેવાઓ બહાલ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે, પરંતુ એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.