અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં ગુજરાત અને કેરળ વચ્ચેની મેચમાં મહેસાણાના ઉર્વિલ પટેલે શાનદાર બેવડી સદી ફટકારી છે. ગુજરાત તરફથી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા ઉર્વિલે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની પહેલી બેવડી સદી નોંધાવી હતી.
ઉર્વિલે 227 બોલમાં 210 રન બનાવ્યા હતા, જેમાં 17 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે માત્ર 214 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. આ આક્રમક ઇનિંગથી તેણે આગામી IPL ઓક્શન પહેલા પોતાની બેટિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. ઉર્વિલ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે વિકેટકીપર-બેટ્સમેન છે.
એક સમયે ગુજરાતની ટીમ 189 રનમાં પાંચ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. પરંતુ ઉર્વિલ પટેલે વિશાલ જયસ્વાલ સાથે મળીને 217 બોલમાં 179 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી. આ ભાગીદારીએ ગુજરાતને 534 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
ઉર્વિલ પટેલને સામાન્ય રીતે T20 અને ODI ફોર્મેટમાં આક્રમક બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેણે રેડ-બોલ ક્રિકેટમાં પણ પોતાની ક્ષમતા દર્શાવી છે. આ સીઝનમાં તેનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું છે: પ્રથમ મેચમાં 85, બીજી મેચમાં 23 અને ત્રીજી મેચમાં 96 રન બનાવ્યા બાદ હવે બેવડી સદી ફટકારી છે. રેડ-બોલ ક્રિકેટમાં આ તેની ત્રીજી સદી છે.