સત્ય. સાહસ. સંકલ્પ.

કોલકાતામાં ઉરુગ્વેએ ભારતને 6-1થી હરાવ્યું, અનિરુદ્ધ થાપાએ ઐતિહાસિક ગોલ કર્યો

કોલકાતામાં ઉરુગ્વેએ ભારતને 6-1થી હરાવ્યું, અનિરુદ્ધ થાપાએ ઐતિહાસિક ગોલ કર્યો

મંગળવારે રાત્રે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં ઉરુગ્વેએ ભારતને 6-1થી હરાવ્યું. વિશ્વ ક્રમાંકનમાં 20મા સ્થાને રહેલી ઉરુગ્વે સામે ભારતે પહેલા હાફમાં સારો સંઘર્ષ કર્યો હતો.

ભારતીય મિડફિલ્ડર અનિરુદ્ધ થાપાએ 22મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી કરી દીધો હતો. આ ગોલ ભારત માટે ઐતિહાસિક રહ્યો. રેયાન વિલિયમ્સના શોટને ઉરુગ્વેના ગોલકીપર ગાસ્ટન કાર્ડોઝો પૂરો રોકી શક્યો નહોતો અને રિબાઉન્ડ પર થાપાએ બોલને ગોલમાં પહોંચાડ્યો.

ઉરુગ્વેએ મેચની શરૂઆતમાં દબાણ બનાવ્યું હતું. 11મી મિનિટે પ્રમવીરે બોક્સમાં ફેડેરિકો વિનાસને પાડી દેતાં ઉરુગ્વેને પેનલ્ટી મળી. સ્ટાર સ્ટ્રાઈકર ડાર્વિન નુનેઝે પેનલ્ટી ગોલમાં ફેરવીને ટીમને 1-0ની લીડ અપાવી. તેના 11 મિનિટ બાદ ભારતે બરાબરી કરી લીધી.

ત્યારબાદ ભારે વરસાદ અને આકાશી વીજળીના કારણે મેચ લગભગ 30થી 35 મિનિટ સુધી રોકવી પડી. રમત ફરી શરૂ થયા બાદ ઉરુગ્વેએ ઝડપી આક્રમણ કર્યું. બ્રેક બાદ નાહિતાન નાંદેઝના લો-ક્રોસ પર મેક્સિમિલિયાનો અરાઉહોએ ગોલ કરીને ઉરુગ્વેને 2-1થી આગળ કરી દીધું.

બીજા હાફમાં ઉરુગ્વેએ ભારતીય ડિફેન્સ પર સતત દબાણ જાળવ્યું. 53મી મિનિટે રોડ્રિગો જાલાઝારે બોક્સની બહારથી ઝડપી શોટ મારીને સ્કોર 3-1 કરી દીધો. થોડા સમય બાદ અરાઉહોએ પોતાનો બીજો ગોલ કરીને ઉરુગ્વેની સરસાઈ 4-1 કરી દીધી.

અંતિમ મિનિટોમાં મેનચેસ્ટર યુનાઇટેડના પૂર્વ વિંગર ફાકુન્દો પેલિસ્ટ્રીએ બે શાનદાર અસિસ્ટ કર્યા. તેની મદદથી જુઆન સાનાબ્રિયા અને રોડ્રિગો અગ્વિરે ગોલ ફટકાર્યા અને ઉરુગ્વેએ મુકાબલો 6-1થી જીતી લીધો.

ઉલ્લેખનીય છે કે, ભારતે ઉરુગ્વે સામે અગાઉ 1982ના નેહરુ કપમાં ગોલ કર્યો હતો. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી તે મેચમાં માનસ ભટ્ટાચાર્યએ ભારત માટે ગોલ કર્યો હતો, જેમાં ભારતને 1-3થી હાર મળી હતી. આ વખતે થાપાએ એ જ શહેરમાં ભારત માટે ગોલ કર્યો.