સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં UPSCની IMD સાયન્ટિસ્ટ-B પરીક્ષા યોજાઈ, 46 જગ્યાઓ માટે બે શિફ્ટમાં ઉમેદવારો બેઠા

અમદાવાદમાં UPSCની IMD સાયન્ટિસ્ટ-B પરીક્ષા યોજાઈ, 46 જગ્યાઓ માટે બે શિફ્ટમાં ઉમેદવારો બેઠા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા ઇન્ડિયા મેટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)માં સાયન્ટિસ્ટ-Bની 46 જગ્યાઓ માટે કોમ્બાઇન્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ (CRT) યોજાઈ છે. અમદાવાદના પરીક્ષા સેન્ટરો પર સવારે 9થી 11 અને બપોરે 2થી 4 એમ બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભરતી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના હવામાન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ છે. જેમાં એટમોસ્ફેરિક સાયન્સિસમાં 7, જનરલ મેટિરિયોલોજીમાં 30 અને ઇ.મેરીટના આધારે ઉમેદવારોને અલગ અલગ જગ્યાએ મુકાશે.

પ્રથમ કોમ્બાઇન્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટની પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે બાદ મેરીટના આધારે ઉમેદવારોની અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવશે.

પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ સમયે ઉમેદવારોના ઈ-એડમિટ કાર્ડની ચકાસણી, ઓળખના પુરાવાની તપાસ અને ફ્રિસ્કિંગ કરવામાં આવ્યું હતું. એડમિટ કાર્ડ અને ઓળખની ચકાસણી બાદ ઉમેદવારોને નિયત બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવ્યા હતા.

ઉમેદવાર તપન પટેલે જણાવ્યું હતું કે, મારી IMDમાં સાયન્ટિસ્ટ-B માટેની પરીક્ષા છે. જેથી તેને લઈને ખૂબ સારી તૈયારીઓ છે. આજની પરીક્ષામાં મેથેમેટિક્સ, એથિક્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સહિતના જનરલ સબ્જેક્ટને લઈને પરીક્ષા યોજવામાં આવી છે. જેથી આ પરીક્ષા માટે 3થી 4 મહિનાથી તૈયારીઓ કરી છે. જેથી આશા છે કે પરીક્ષામાં સારી જાય.

ઉમેદવાર હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, IMDની સાયન્ટિસ્ટ-Bની પરીક્ષા છે. બે મહિના પહેલા પરીક્ષાનું નોટિફિકેશન આવ્યું હતું જેની તૈયારીઓ પણ ઘણા સમયથી શરૂ કરી દીધી હતી. જેથી આશા છે કે સારી રીતે પરીક્ષા પૂર્ણ થઈ જાય. પહેલું પેપર તો સારું હતું હવે બીજું પેપર પણ સારું પૂછાઈ જાય તેવી આશા છે. સારી તૈયારી સાથે પરીક્ષા આપું છું જેથી પોઝિટિવ રિઝલ્ટની આશા છે. નોકરી સાથે સાથે પરીક્ષાની તૈયારીઓ પણ કરીએ છીએ. જેથી નોકરી સાથે ફેમિલી, જોબ અને પરીક્ષાની તૈયારીઓ આ બધું એક સાથે મેનેજ કરવું થોડું અઘરું થઈ જાય છે. અત્યારે IMDમાં જ નોકરી કરું છું, પરંતુ હાયર કેડર માટે પરીક્ષા આપી રહ્યો છું.