સત્ય. સાહસ. સંકલ્પ.

UPS પેન્શનરો માટે મહત્વપૂર્ન સૂચના: 30 નવેમ્બર પહેલાં ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરો

UPS પેન્શનરો માટે મહત્વપૂર્ન સૂચના: 30 નવેમ્બર પહેલાં ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરો

યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ પેન્શન મેળવતા લોકો માટે એક ઉપયોગી સુવિધા શરૂ કરવામાં આવી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ 'UPS જીવન સેતુ - ડિજિટલ જીવન પ્રમાણપત્ર' સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા પેન્શનરો બેન્ક કે પેન્શન ઓફિસમાં જવાની જરૂર વગર ઘરે બેઠા મોબાઇલ ફોનથી તેમનું જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) સબમિટ કરી શકે છે.

દરેક પેન્શનરે સમયાંતરે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડે છે, જેથી સાબિત થાય કે તેઓ જીવિત છે અને પેન્શન માટે પાત્ર છે. જો સમયસર પ્રમાણપત્ર ન સબમિટ થાય તો પેન્શનની ચૂકવણી પર અસર પડી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને PFRDA એ આ ડિજિટલ સુવિધા શરૂ કરી છે.

આ સુવિધામાં આધાર અને ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ થાય છે. પેન્શનર તેમના મોબાઇલમાં 'NPS by Protean eGov' એપ્લિકેશન ડાઉનલોડ કરીને નીચે મુજબ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે:

1. એપ્લિકેશન ખોલો અને હોમ સ્ક્રીન પર 'UPS જીવન સેતુ - ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ' વિકલ્પ પસંદ કરો.
2. તમારો કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર (PRAN) અને જન્મ તારીખ દાખલ કરો.
3. નોંધાયેલા મોબાઇલ નંબર પર આવેલા OTP દ્વારા માહિતી ચકાસો.
4. આધાર વિકલ્પ પસંદ કરીને આધાર નંબર દાખલ કરો અને 'Continue with Aadhaar' પર ક્લિક કરો.
5. ફેસ ઓથેન્ટિકેશન વિકલ્પ પસંદ કરીને ચહેરા દ્વારા ઓળખ ચકાસો.
6. ચકાસણી સફળ થતાં એપ્લિકેશન ડિજિટલ જીવન પ્રમાણપત્ર જનરેટ કરશે. 'ડન' પર ક્લિક કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.

આ સુવિધા ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો અને મુસાફરીમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે ફાયદાકારક છે.

PFRDA એ સ્પષ્ટ કર્યું છે કે UPS પેન્શનરોએ દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે, જેથી માસિક પેન્શન ચૂકવણીમાં અવિરતતા જળવાઈ રહે. તેથી પેન્શનરોએ અંતિમ તારીખની રાહ જોયા વગર સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.