નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ નાના વેપારીઓ અને દુકાનદારોમાં ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે 'UPI વ્યાપાર સક્ષમ યોજના' શરૂ કરી છે. 11 નવેમ્બર 2026ના સત્તાવાર પરિપત્ર મુજબ, આ યોજના તમામ UPI સભ્યો માટે અમલમાં મુકાઈ છે.
આ યોજના હેઠળ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માંથી થતી કમાણીના 5 ટકા હિસ્સો એક સમર્પિત ફંડમાં જમા કરાશે. આ ફંડનો ઉપયોગ નાના દુકાનદારોને UPI સાથે જોડવા અને તેમના વ્યવહારો વધારવા માટે થશે.
પરિપત્ર મુજબ, UPI સિસ્ટમમાં સામેલ દરેક ઈશ્યુઈંગ બેંક, એક્વાયરિંગ બેંક, પેયર પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને UPI એપ્લિકેશન પ્રોવાઈડરે પાત્ર વ્યવહારો પર મેળવેલા MDRના હિસ્સામાંથી 5 ટકા રકમ આ ફંડમાં જમા કરાવવાની રહેશે. જોકે, ઉદ્યોગ કાર્યક્રમો અને મૂડી બજાર (મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ, બ્રોકર અને ડીલર)ના વ્યવહારોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ યોજના UPI MDR લાગુ થયાની તારીખથી 3 વર્ષ સુધી અમલમાં રહેશે અને દર 6 મહિને તેની સમીક્ષા કરાશે.
NPCIની વ્યાખ્યા મુજબ, પાછલા નાણાકીય વર્ષમાં જેમનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયા સુધીનું હોય તેવા તમામ નાના વેપારીઓ આ યોજના માટે પાત્ર ગણાશે. ભૌગોલિક રીતે ટિયર-3 થી ટિયર-6 શહેરો, ઉત્તર-પૂર્વીય રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વેપારીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ટિયર-1 અને ટિયર-2 શહેરોના નાના વેપારીઓને પણ લાભ મળશે જો તેઓ પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા જેવી કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવાયા હોય.
NPCIએ ફંડને ત્રણ ઘટકોમાં વહેંચ્યું છે. પ્રથમ ઘટક હેઠળ નવા નાના વેપારીઓને જોડવા માટે કુલ ફંડના 30 ટકા રકમ ફાળવાઈ છે. આ અંતર્ગત એક્વાયરિંગ બેંકોને પ્રતિ ફિઝિકલ QR કોડ દીઠ 300 રૂપિયા અને પ્રતિ સાઉન્ડબોક્સ ડિવાઈસ દીઠ 750 રૂપિયાનું પ્રોત્સાહન મળશે. આ લાભ મેળવવા માટે નવા જોડાયેલા વેપારીએ ક્વાર્ટરના કોઈ પણ 2 મહિનામાં ઓછામાં ઓછા 25 પાત્ર વ્યવહારો અને દર મહિને ઓછામાં ઓછા 5,000 રૂપિયાના વ્યવહારો કરવા પડશે.
બીજા ઘટક હેઠળ ટ્રાન્ઝેક્શન ગ્રોથ માટે કુલ ફંડના 50 ટકા ફાળવાયા છે. જે એક્વાયરિંગ બેંકો પાત્ર નાના વેપારીઓના વ્યવહારોમાં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ઓછામાં ઓછો 5 ટકાનો વધારો જાળવી રાખશે, તેમને કુલ પાત્ર વ્યવહારોના મૂલ્ય પર 0.03 ટકા ઈન્સેન્ટિવ મળશે. ટાર્ગેટેડ વિસ્તારોના વેપારીઓ માટે આ બેઝ રેટ પર 50 ટકા વધારાનું ઈન્સેન્ટિવ ચૂકવાશે. ત્રીજા ઘટક હેઠળ કુલ ફંડના 20 ટકા ટાર્ગેટેડ વિસ્તારોમાં વધારાની વૃદ્ધિ માટે રખાયા છે, જેમાં પાછલા ક્વાર્ટરની સરખામણીમાં વધેલા વ્યવહારોના મૂલ્ય પર 0.03 ટકાના બેઝ ઈન્સેન્ટિવ ઉપર વધારાનું ઈન્સેન્ટિવ આપવામાં આવશે.