સત્ય. સાહસ. સંકલ્પ.

UPIનું નવું 'ટેપ એન્ડ પે' ફીચર લોન્ચ: QR કોડ સ્કેન કરવાની જરૂર નહીં, એપ ખોલ્યા વગર થશે પેમેન્ટ

UPIનું નવું 'ટેપ એન્ડ પે' ફીચર લોન્ચ: QR કોડ સ્કેન કરવાની જરૂર નહીં, એપ ખોલ્યા વગર થશે પેમેન્ટ

મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં UPIએ 'ટેપ એન્ડ પે' (Tap & Pay) નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ સુવિધા હેઠળ હવે પેમેન્ટ કરવા માટે દરેક વખતે QR કોડ સ્કેન કરવાની કે UPI ID દાખલ કરવાની જરૂર નહીં પડે. યુઝર પોતાના NFC સપોર્ટ ધરાવતા સ્માર્ટફોનને POS મશીન પર ટેપ કરીને પેમેન્ટ કરી શકશે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનમાં NFC સપોર્ટ હોવો જરૂરી છે. પેમેન્ટ કરતી વખતે યુઝરે ફોન અનલોક કરીને તેને NFC સક્ષમ Point of Sale (POS) ટર્મિનલ પાસે લઈ જવાનો રહેશે. POS મશીનમાં જે રકમ દાખલ કરવામાં આવી હશે, તે મુજબ પેમેન્ટ પ્રક્રિયા આગળ વધશે. એટલે કે ગ્રાહકને દુકાનદાર દ્વારા આપવામાં આવેલા QR કોડને કેમેરાથી સ્કેન કરવાની જરૂર નહીં પડે. આ ફીચર ખાસ કરીને ઝડપી પેમેન્ટ માટે ઉપયોગી બની શકે છે, કારણ કે તેમાં UPI ID ટાઇપ કરવાની અથવા QR કોડ શોધવાની પ્રક્રિયા દૂર થાય છે.

UPIનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા Tap & Payને UPI ઇકોસિસ્ટમની નવી સુવિધા તરીકે રજૂ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે વિવિધ UPI એપ્સ સાથે તેનો ઉપયોગ કરી શકાશે. PhonePe, Google Pay, BHIM અથવા અન્ય UPI એપનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે NFC આધારિત પેમેન્ટની પ્રક્રિયા વધુ સરળ બનવાની શક્યતા છે. યુઝરે દરેક વખતે UPI એપ ખોલવાની જરૂર નહીં પડે.

NPCI અનુસાર Tap & Pay ફીચર ઓછા અથવા શૂન્ય ઇન્ટરનેટ કનેક્શનવાળા વિસ્તારોમાં પણ કામ કરી શકે છે. જોકે, આ માટે ફોન અને POS ટર્મિનલ બંનેમાં જરૂરી NFC અને પેમેન્ટ સપોર્ટ હોવો જરૂરી રહેશે.

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ડિજિટલ પેમેન્ટ ઉપરાંત કોર્પોરેટ બોન્ડના ટોકનાઇઝેશન માટે Demat 2.0ના પાયલટ પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ પરંપરાગત કોર્પોરેટ બોન્ડની માલિકીને બ્લોકચેન આધારિત ડિજિટલ ટોકનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. તેનો હેતુ કોઈ નવું રોકાણ ઉત્પાદન બનાવવાનો નહીં, પરંતુ બોન્ડના ટ્રાન્ઝેક્શન અને મેનેજમેન્ટને વધુ ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. આ જાહેરાત RBI ગવર્નર સંજય મલ્હોત્રા અને SEBI ચેરમેન તુહિન કાંત પાંડે દ્વારા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન કરવામાં આવી હતી.