કમલા શાળાના ગેટની બહાર જામફળ વેચે છે. છેલ્લા 20 વર્ષથી તે આ કામ કરી રહી છે અને આટલા વર્ષોમાં તેણે ક્યારેય પોતાના વેચાણનો હિસાબ લખ્યો નથી. કોઈ સ્કૂલનો બાળક કહે કે, “કાલે પૈસા આપીશ”, તો તે હા પાડી દે છે અને બીજા દિવસે બાળક પૈસા આપી પણ દે છે.
તેને ખબર છે કે કઈ બાળકની માતા શુક્રવાર સુધીમાં પૈસા આપી દેશે, કયા ચોકીદારને દર વખતે પૈસા આપવાનું યાદ નથી રહેતું અને કઈ નાની બાળકીને ક્યારેય ના પાડવાની નથી, પછી ભલે તેની પાસે પૈસા હોય કે ન હોય.
તેની આખી હિસાબની વહી તેની યાદશક્તિમાં જ છે અને આજ સુધી તેનો હિસાબ ક્યારેય ખોટો પડ્યો નથી. ધંધો ચલાવવાની આ ખૂબ જ સુંદર રીત છે. પરંતુ તેમાં એક ખામી છે. તેનો હિસાબ બીજું કોઈ વાંચી શકતું નથી. એક બપોરે બેંકનો એક કર્મચારી તેની ટોપલી પાસે આવ્યો. તેણે બે જામફળ ખરીદ્યાં અને પૂછ્યું કે શું તે વધુ માલ ખરીદવા માટે નાની લોન લેવા માગે છે? કમલા ખુશ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ કર્મચારીએ દર મહિને થતી કમાણીનો પુરાવો માગ્યો.
કમલાએ તેની સામે જોયું, હસી અને પોતાના કપાળ પર હાથ મૂક્યો. તે અઠવાડિયાની આ સૌથી રમૂજી વાત હતી. પરંતુ આ સાથે જ તેમની વાતચીતનો અંત પણ આવી ગયો. 20 વર્ષમાં તેણે ઘણું કમાયું હતું, પરંતુ તેમાંથી એક પણ રૂપિયાની કમાણીનો પુરાવો તેની પાસે નહોતો.
આ જ એ સમસ્યા છે, જેને ભારતે છેલ્લા એક દાયકામાં શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આ માટેનું સાધન છે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI. જેની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. તેની સફળતાનો વ્યાપ કેટલો મોટો છે, તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જુલાઈ 2025માં UPI દ્વારા એક જ મહિનામાં 19.47 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા.
એટલે કે દરરોજ અંદાજે 62.8 કરોડ પેમેન્ટ્સ થયા હતા. આ દરમિયાન કુલ ₹25.08 લાખ કરોડની રકમની લેવડદેવડ થઈ હતી. એક વર્ષ પહેલાંની સરખામણીમાં આ સંખ્યા લગભગ ચોથા ભાગ જેટલી ઓછી હતી. એટલે કે માત્ર 12 મહિનામાં ટ્રાન્ઝેક્શનના પ્રમાણમાં 35 ટકાનો વધારો થયો હતો.
કુલ ટ્રાન્ઝેક્શનની રકમને પેમેન્ટની સંખ્યા વડે ભાગીએ તો સરેરાશ પેમેન્ટ આશરે ₹1,300 થાય છે. જોકે, કેટલાક મોટા ટ્રાન્ઝેક્શન આ સરેરાશને ઉપર લઈ જાય છે. તેથી સામાન્ય પેમેન્ટની રકમ તેનાથી ઘણી ઓછી હોય છે. ભારતમાં પૈસાની સૌથી વ્યસ્ત લેનદેનની વ્યવસ્થા મોટા સોદાઓથી નથી બની. તે જામફળ, શાકભાજી, ઓટોનું ભાડું, મોબાઇલ રિચાર્જ અને કોઈ પિતરાઈ ભાઈને જરૂર પડતી થોડીક રકમ જેવી નાની લેવડદેવડથી બની છે.
UPI આટલી ઝડપથી લોકપ્રિય કેમ બન્યું? તેની પાછળ ત્રણ સરળ કારણો છે.
ઓછી જરૂરિયાત: UPIનો ઉપયોગ કરવા માટે માત્ર બેંક ખાતું અને મોબાઇલ ફોનની જરૂર પડે છે. દુકાનદાર કોઈ મોંઘા પેમેન્ટ મશીન વિના પણ કાગળ પર છાપેલા QR કોડથી પેમેન્ટ સ્વીકારી શકે છે.
કોઈ એક કંપનીની માલિકી નથી: UPI કોઈ એક કંપનીની માલિકી ધરાવતું પ્લેટફોર્મ નથી. તેથી અનેક પેમેન્ટ એપ્સ એક જ સિસ્ટમ પર કામ કરી શકે છે. એક એપનો ઉપયોગ કરનાર વ્યક્તિ બીજી એપનો ઉપયોગ કરનારને પણ સરળતાથી પૈસા મોકલી શકે છે.
ઝડપી પેમેન્ટ: UPI દ્વારા પૈસા માત્ર થોડીક સેકન્ડમાં ટ્રાન્સફર થઈ જાય છે. રવિવારે રાત્રે પણ પૈસા મોકલી શકાય છે.
કમલાના જીવનમાં UPIથી શું બદલાયું? થોડા મહિના પછી કમલાને પણ પોતાનો QR કોડ મળી ગયો. તેની પૌત્રીએ આ QR કોડ ટોપલી પર ટેપથી ટાંડી દીધો. શરૂઆતમાં શાળાના બાળકો આ જોઈને હસતા હતા. પરંતુ પછી તેઓ પોતાનાં માતા-પિતાના ફોનથી પેમેન્ટ કરવા લાગ્યા. આ દરમિયાન એક નાનકડો ફેરફાર થયો, જેની કમલાને કેટલાય અઠવાડિયાં સુધી ખબર પણ ન પડી.
હવે વેચાતા દરેક જામફળનો એક ડિજિટલ રેકોર્ડ બનવા લાગ્યો હતો. આ રેકોર્ડ કદાચ સામાન્ય બાબત લાગે, પરંતુ તેને કમાણીના પુરાવામાં ફેરવી શકાય છે. તે સાબિત કરી શકે છે કે કમલા કમાણી કરે છે, સતત ધંધો ચલાવે છે અને નાની લોન મેળવવા માટે વિશ્વાસપાત્ર છે.
કમલા જેવા લાખો લોકો માટે આ પ્રકારનો પુરાવો પહેલાં અસ્તિત્વમાં જ નહોતો, કારણ કે તેમનો હિસાબ માત્ર તેમના મગજમાં જ રહેતો હતો. હવે જે લોકો ઔપચારિક અર્થવ્યવસ્થામાં દેખાતા નહોતા, તેઓ ધીમે ધીમે તેનો એક ભાગ બની રહ્યા છે.
ડિજિટલ પેમેન્ટના કેટલાક પડકારો પણ છે. આ ડિજિટલ રેકોર્ડની બીજી એક બાજુ પણ છે. કોઈ વ્યક્તિ પોતાના પૈસા ક્યાં ખર્ચે છે, તેની માહિતી પણ આ રેકોર્ડમાં જળવાઈ જાય છે. જેનાથી ગોપનીયતાનો ભંગ થઈ શકે છે. આ ઉપરાંત, ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા, ડિજિટલ સાક્ષરતાનો અભાવ અને છેતરપિંડીના કિસ્સાઓ પણ પડકારરૂપ છે.