સત્ય. સાહસ. સંકલ્પ.

UPI પેમેન્ટ ચાર્જ ટળ્યો: નવું નિયમ જાન્યુઆરી સુધી મુલતવી, તહેવારોમાં વ્યવહાર મફત

UPI પેમેન્ટ ચાર્જ ટળ્યો: નવું નિયમ જાન્યુઆરી સુધી મુલતવી, તહેવારોમાં વ્યવહાર મફત

UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ કરવાનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રહ્યો છે. કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુની UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગુ કરવાની હતી, પરંતુ હવે આ નિયમ આવતા વર્ષની 1 જાન્યુઆરીથી લાગુ કરવાનો વિચાર છે.

સમાચાર એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. જો એમ થાય તો તહેવારોની સીઝનમાં દુકાનદારો અને પેમેન્ટ કંપનીઓને રાહત મળશે અને UPI વ્યવહાર મફત રહેશે. સત્તાવાર નિર્ણય આગામી દિવસોમાં આવી શકે છે.

શેર બજારમાં અસર

ચાર્જ મુલતવી રહેવાના સમાચારથી ફિનટેક કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન Paytmનો શેર 10% સુધી ઘટીને ₹1,561 પર આવી ગયો હતો, પરંતુ બજાર બંધ થતાં 5.42%ના ઘટાડા સાથે ₹1,640 પર બંધ થયો. મોબિક્વિક 4.57% ઘટીને ₹245, પાઇન લેબ્સ 4.39% ઘટીને ₹170 અને NPST 3.39% ઘટીને ₹1,791.30 પર બંધ થયો.

નવા નિયમની વિગતો

જો આ નિયમ લાગુ થાય તો મહિને ₹1 લાખથી વધુ UPI કલેક્શન કરતા વેપારીઓને ₹2,000થી વધુની દરેક ચુકવણી પર 0.4% MDR અને તેના પર 18% GST ચૂકવવો પડશે. જે વેપારીઓની મહિને કુલ કમાણી ₹1 લાખ સુધી છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે વ્યવહાર ₹2,000થી વધુનો હોય.

જો કોઈ નાનો દુકાનદાર સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુ UPI કલેક્શન મેળવે છે, તો બેંક તેને આપમેળે 'મોટા વેપારી' કેટેગરીમાં શિફ્ટ કરી દેશે અને તેને પણ ચાર્જ ચૂકવવો પડશે. ₹2,000 સુધીની ચુકવણી પર મોટા વેપારીઓને પણ કોઈ ફી ચૂકવવી પડશે નહીં. આ મર્યાદા આખા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક પેમેન્ટ પર લાગુ થશે.

₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર વેપારી પાસેથી મહત્તમ ₹300 વત્તા GST જ ચાર્જ લેવાશે. પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને એજ્યુકેશન સાથે જોડાયેલા વેપારીઓને ₹2,000થી વધુની પેમેન્ટ પર 0.40%ના બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે. ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીમાં UPI પર MDR ચાર્જ ઘણો ઓછો રહેશે.

MDR એટલે શું?

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ ફી છે, જે વેપારી ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે UPI પેમેન્ટની સુવિધા એટલે કે પોઇન્ટ ઑફ સેલ મશીન કે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવાના બદલામાં બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ખર્ચ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવવા માટે લેવાય છે અને તે વેપારીએ ચૂકવવો પડે છે, ગ્રાહકે નહીં.

વેપારી સંગઠનોનો વિરોધ

રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ઓછા માર્જિન પર કામ કરે છે. તેમનું કહેવું છે કે ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ લાદવાથી ખર્ચ વધશે. ડિજિટલ પેમેન્ટનો ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવો જોઈએ, વેપારીઓ પર બોજો નાખવાનો નહીં. UPIને કારણે રોકડનો ઉપયોગ ઘટ્યો છે અને વેપારીઓ સિસ્ટમને પારદર્શક બનાવવામાં સહયોગ આપી રહ્યા છે, ત્યારે તેમના પર શુલ્ક વસૂલવું યોગ્ય નથી. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે વેપારીઓ પર ચાર્જ લગાવવો સજા આપવા જેવો છે. વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે સરકારે આ નિર્ણય પર ફરી વિચાર નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.