નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 15 ઓક્ટોબર, 2026થી UPI માટે નવો 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) લાગુ કરવા જઈ રહ્યું છે. આ નિયમ હેઠળ રૂ.2,000થી વધુના UPI પેમેન્ટ પર મોટા વેપારીઓને ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI મફત જ રહેશે. ચાલો જાણીએ આ નિયમના તમામ પાસા સરળ શબ્દોમાં.
પ્રશ્ન 1: નવો UPI નિયમ શું છે અને ક્યારથી અમલમાં આવશે?
NPCIના નવા નિયમ હેઠળ મોટા વેપારીઓને રૂ.2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 15 ઓક્ટોબર, 2026થી લાગુ થશે. બેંકો, ફિનટેક એપ્સ અને ચુકવણી એગ્રીગેટર્સને તેમની સિસ્ટમ અપડેટ કરવા માટે આ તારીખ સુધીનો સમય અપાયો છે.
પ્રશ્ન 2: શું સામાન્ય ગ્રાહક તરીકે મારે UPI પેમેન્ટ માટે ફી આપવી પડશે?
બિલકુલ નહીં. સામાન્ય ગ્રાહકો માટે UPI 100% મફત રહેશે. તમે મિત્રો કે પરિવારને ગમે તેટલી રકમ મોકલો (P2P ટ્રાન્સફર) તો કોઈ ચાર્જ નહીં લાગે. દુકાને જઈને QR કોડ સ્કેન કરીને માલ ખરીદશો તો પણ ચાર્જ નહીં લાગે. Google Pay, PhonePe કે Paytm જેવી એપ્સ પણ કોઈ પ્લેટફોર્મ ફી વસૂલશે નહીં.
પ્રશ્ન 3: તો પછી આ MDR ચાર્જ કોને અને કેટલો લાગશે?
આ ચાર્જ માત્ર મોટા વેપારીઓ માટે છે. રૂ.2,000 સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ નહીં (0% MDR). રૂ.2,000થી વધુના વ્યવહારો પર પેમેન્ટના 0.4% ચાર્જ વેપારીએ ચૂકવવાનો રહેશે. ઉદાહરણ તરીકે: રૂ.3,000ના પેમેન્ટ પર રૂ.12, રૂ.4,000 પર રૂ.16, રૂ.5,000 પર રૂ.20, અને રૂ.50,000 પર રૂ.200.
પ્રશ્ન 4: શું ખૂબ મોટા પેમેન્ટ પર મહત્તમ મર્યાદા છે?
હા. રૂ.75,000 કે તેથી વધુના વ્યવહારો માટે વધુમાં વધુ રૂ.300ની મર્યાદા (Cap) છે. એટલે કે ગ્રાહક ભલે રૂ.1,00,000 કે રૂ.5,00,000નું પેમેન્ટ કરે, વેપારીએ રૂ.300થી વધુ ચાર્જ આપવો પડશે નહીં.
પ્રશ્ન 5: શું ચાની લારીવાળા, શાકભાજીવાળા કે નાના દુકાનદારોએ પણ આ ચાર્જ આપવો પડશે?
ના, નાના વ્યવસાયોને આ નિયમમાંથી સંપૂર્ણ મુક્તિ છે. જે દુકાનદારો કે શેરી વિક્રેતાઓ દર મહિને UPI દ્વારા કુલ રૂ.1,00,000 સુધીનું પેમેન્ટ મેળવે છે, તેમને P2PM શ્રેણીમાં રખાયા છે. તેમના માટે તમામ પેમેન્ટ પર MDR 0% રહેશે. આંકડા મુજબ દેશના 95%થી વધુ નાના દુકાનદારોને આ ચાર્જમાંથી રાહત મળશે.
પ્રશ્ન 6: પેટ્રોલ પંપ, વીમા પ્રીમિયમ કે લાઈટ બિલ જેવા પેમેન્ટ માટે અલગ નિયમ છે?
હા. રેલવે, ટેલિકોમ, વીમા પ્રીમિયમ, ઇંધણ (પેટ્રોલ પંપ) તેમજ વીજળી, પાણી, PNG બિલ માટે 0.4% ટકાવારીનો નિયમ લાગુ પડતો નથી. આ ક્ષેત્રોમાં રૂ.2,000થી વધુના પેમેન્ટ પર માત્ર રૂ.5 ચાર્જ લાગશે. રૂ.2,000થી ઓછા પેમેન્ટ પર અહીં પણ શૂન્ય ચાર્જ છે.
પ્રશ્ન 7: જો કોઈ વેપારી આ ચાર્જના બહાને ગ્રાહક પાસે વધારાના પૈસા માંગે તો?
MDR એ વેપારીના વ્યવસાયનો ખર્ચ છે, ગ્રાહકનો નહીં. જો કોઈ દુકાનદાર કહે કે તમારે UPI પેમેન્ટ માટે 0.4% વધુ આપવા પડશે, તો તે નિયમ વિરુદ્ધ છે. ગ્રાહકો આવું કરનાર વેપારી વિરુદ્ધ બેંક અથવા સંબંધિત સત્તાવાળાને ફરિયાદ કરી શકે છે.
પ્રશ્ન 8: આખરે NPCIને આ ચાર્જ ફરી શરૂ કરવાની જરૂર કેમ પડી?
દેશમાં દર મહિને અબજો UPI ટ્રાન્ઝેક્શન થાય છે. સર્વરને 24 કલાક ચાલુ રાખવા, ડેટા સેન્ટર, સાયબર સિક્યોરિટી અને ટેક્નોલોજી અપગ્રેડ માટે મોટો ખર્ચ થાય છે. આ ખર્ચને પહોંચી વળવા અને UPI સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે MDR લાગુ કરવામાં આવી રહ્યો છે.