સત્ય. સાહસ. સંકલ્પ.

UPI પર નવો ચાર્જ: 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર દુકાનદારને 0.4% MDR, ગ્રાહક પર અસર થશે?

UPI પર નવો ચાર્જ: 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર દુકાનદારને 0.4% MDR, ગ્રાહક પર અસર થશે?

15 ઓક્ટોબર 2026થી UPI પર નવો ચાર્જ લાગુ થવા જઈ રહ્યો છે. 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર દુકાનદારોએ 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચૂકવવો પડશે. સરકારનું કહેવું છે કે ગ્રાહકના ખિસ્સામાંથી એક પણ રૂપિયો કપાશે નહીં. જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકારે ચૂપચાપ UPI પર ફી લગાવવાનો રસ્તો ખોલી દીધો છે. દુકાનદાર પર લાગતી ફી આખરે ગ્રાહકના ખિસ્સામાંથી જ આવશે.

આખરે UPIનો આ નવો ચાર્જ શું છે, તેનાથી કેટલી કમાણી થશે, પૈસા કોને મળશે અને શું ખરો બોજ સામાન્ય માણસ પર પડશે, તે જાણીએ.

પ્રશ્ન 1: UPI પેમેન્ટ પર નવો ચાર્જ કેવી રીતે અને કેટલો લાગુ થશે?

14 સપ્ટેમ્બર 2026ના રોજ નાણા મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે 2,000 રૂપિયા સુધીના UPI અને RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં. જો MDR ફી લાગુ થશે, તો તે નજીવા દરે 2,000 રૂપિયાથી ઉપરના વ્યવહારો પર વેપારીઓ પર જ લાગુ પડશે.

બીજા જ દિવસે, 15 સપ્ટેમ્બરે, UPIનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ MDRનો દર નક્કી કર્યો. નવા નિયમ મુજબ, 2,000 રૂપિયાથી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) પેમેન્ટ પર 0.4% MDR લાગશે.

આ ફેરફાર માટે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2026' પસાર કરવામાં આવ્યો હતો. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007ની કલમ 10Aમાં સુધારો કરીને UPI અને RuPay પર MDR ચાર્જ લગાવવા પર લાગેલો કાનૂની પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો.

MDR પર 300 રૂપિયાની અપર લિમિટ કેવી રીતે લાગુ પડશે, તે બે ઉદાહરણથી સમજો:

પહેલું: 3,000 રૂપિયાના પેમેન્ટ પર 0.4%ના હિસાબે 12 રૂપિયા ચાર્જ થશે. આ જ રીતે 75,000 રૂપિયા પર 300 રૂપિયા ચાર્જ બનશે.

બીજું: 75,000 રૂપિયાથી ઉપરના કોઈપણ પેમેન્ટ પર, ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયાના પેમેન્ટ પર 0.4%ના હિસાબે 400 રૂપિયા બને છે, પરંતુ અપર લિમિટ 300 છે, તેથી મહત્તમ ચાર્જ 300 રૂપિયા જ લાગશે.

પ્રશ્ન 2: આ નવા ચાર્જથી કેટલી કમાણી થશે?

આનો કોઈ સરકારી આંકડો નથી, પરંતુ કેટલાક અનુમાન લગાવવામાં આવ્યા છે. પહેલા એ સમજો કે ભારતનું UPI નેટવર્ક કેટલું મોટું છે.

હાલમાં દેશમાં 55.49 કરોડ UPI યુઝર્સ છે અને દેશમાં 88% ડિજિટલ પેમેન્ટ્સ UPI દ્વારા જ થાય છે. ભારતના UPI સિસ્ટમ દ્વારા 11 દેશોમાં દર મહિને 24 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે.

ભારતમાં જુલાઈ 2026માં લગભગ 2,366 કરોડ UPI ટ્રાન્ઝેક્શન દ્વારા 29.88 લાખ કરોડ રૂપિયાનું લેણદેણ થયું છે.

જાન્યુઆરી 2020 પહેલાં, UPI મર્ચન્ટ પેમેન્ટ્સ પર 0.30% સુધીનો MDR ચાર્જ લાગતો હતો. સરકારે UPI પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ ચાર્જ ખતમ કરી દીધો હતો. ત્યારબાદ UPI પેમેન્ટ્સ વધતા ગયા.

હવે MDR ચાર્જથી થતી કમાણીનું ગણિત જુઓ. ક્રેડિટ રેટિંગ કંપની કેરએજ (CareEdge) અનુસાર, કુલ UPI પેમેન્ટ્સમાંથી 29% ટ્રાન્ઝેક્શન સામાન્ય લોકોએ દુકાનદારોને કર્યા છે, એટલે કે પર્સન ટુ મર્ચન્ટ, P2M પેમેન્ટ્સ. આ P2M પેમેન્ટ્સમાંથી MDR ફક્ત તે પેમેન્ટ્સ પર લાગશે, જે 2,000 રૂપિયાથી ઉપરના છે. આવા પેમેન્ટ્સ કુલ P2M પેમેન્ટ્સના 67.2% છે.

કેરએજ મુજબ, 2025-26માં MDRના દાયરામાં આવવા લાયક પેમેન્ટ્સ આશરે 61.13 લાખ કરોડ રૂપિયાના હતા. આના પર 0.4% MDRના હિસાબે કુલ 24,452 કરોડ રૂપિયાની કમાણી થશે.

પ્રશ્ન 3: આ કમાણી કેવી રીતે વહેંચાશે, કોને કેટલા પૈસા મળશે?

કોઈ UPI ટ્રાન્ઝેક્શનમાં પેમેન્ટ કરનાર અને પેમેન્ટ લેનાર સિવાય આખી પ્રક્રિયામાં 4 અન્ય પાર્ટનર્સ કામ કરે છે: ઇશ્યુઇંગ બેંક (પૈસા આપનાર વ્યક્તિની બેંક), એક્વાયરિંગ બેંક (પૈસા લેનારની બેંક), પેમેન્ટ સર્વિસ આપતી કોઈ ત્રીજી બેંક, અને UPI એપ જેમ કે ફોનપે, ગૂગલ પે, ભીમ એપ વગેરે.

UPIના સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ચલાવવામાં આ ચારેય પાર્ટનર્સને વાર્ષિક આશરે 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. રિપોર્ટસ અનુસાર, આમાં ઇશ્યુઇંગ બેંકનો ખર્ચ સૌથી વધુ હોય છે. બેંકોનો કુલ ખર્ચ આશરે 70% હોય છે, જ્યારે આશરે 30% ખર્ચ UPI એપને કરવો પડે છે.

સરકારે 2021-22 થી 2024-25 સુધી UPIને પ્રોત્સાહન આપવા માટે MDR શૂન્ય રાખ્યો અને બેંકોના ખર્ચની ભરપાઈ કરવા માટે આ 4 વર્ષોમાં તેમને કુલ 8,276 કરોડનું ઇન્સેન્ટિવ આપ્યું. તેમ છતાં, સમગ્ર UPI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વાર્ષિક આશરે 5,000થી 6,000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. હવે MDR દ્વારા થતી કમાણીમાંથી ચારેય ભાગીદારોને પૈસા મળશે. આમ, નવો ચાર્જ ગ્રાહકો પર સીધો બોજ નહીં નાખે, પણ દુકાનદારો તેનો બોજ ગ્રાહકો પર નાખે તેવી શક્યતા છે.