સત્ય. સાહસ. સંકલ્પ.

UPI પેમેન્ટ પર ચાર્જ લંબાયો: ફેસ્ટિવ સીઝનમાં વ્યવહાર મફત, નિર્ણય બાકી

UPI પેમેન્ટ પર ચાર્જ લંબાયો: ફેસ્ટિવ સીઝનમાં વ્યવહાર મફત, નિર્ણય બાકી

UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ કરવાનો નિર્ણય હાલ મુલતવી રહ્યો છે. કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુની UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગુ કરવાની તૈયારીમાં હતી, પરંતુ હવે આ નિયમ આવતા વર્ષની 1 જાન્યુઆરીથી લાગુ કરવા પર વિચારણા ચાલી રહી હોવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. જો આમ થાય તો ફેસ્ટિવ સીઝન દરમિયાન દુકાનદારો અને પેમેન્ટ કંપનીઓને રાહત મળશે અને UPI ટ્રાન્ઝેક્શન મફત રહેશે. અધિકૃત નિર્ણય થોડા દિવસોમાં આવી શકે છે.

આ અહેવાલની અસર શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપનીઓના શેરો પર જોવા મળી. Paytmનો શેર ટ્રેડિંગ દરમિયાન 10% સુધી ઘટીને ₹1,561 સુધી પહોંચ્યો હતો, પરંતુ બજાર બંધ થવા સુધીમાં થોડો સુધરીને 5.42%ના ઘટાડા સાથે ₹1,640 પર બંધ થયો. મોબિક્વિકનો શેર 8.43% ઘટીને ₹235 સુધી ગયો હતો, પણ અંતે 4.57%ના ઘટાડા સાથે ₹245 પર બંધ થયો. પાઇન લેબ્સ ₹169ના નીચલા સ્તરને સ્પર્શ્યા બાદ 4.39%ના ઘટાડા સાથે ₹170 પર બંધ થયો, જ્યારે NPST 3.39% ઘટીને ₹1,791.30 પર બંધ થયો.

નવા નિયમો અનુસાર, મહિને ₹1 લાખથી વધુ UPI કલેક્શન કરતા મોટા વેપારીઓને ₹2,000થી વધુની દરેક ચુકવણી પર 0.4% MDR વત્તા GST ચૂકવવો પડશે. GST MDRના 18% જેટલો લાગશે. જે નાના વેપારીઓની મહિનાની UPI કમાણી ₹1 લાખ સુધીની છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, પછી ભલે વ્યવહાર ₹2,000થી વધુનો હોય. જો કોઈ નાનો દુકાનદાર સતત ત્રણ મહિના ₹1 લાખથી વધુ UPI કલેક્શન મેળવે, તો બેંક તેને આપમેળે મોટા વેપારી (પર્સન-ટુ-મર્ચન્ટ) કેટેગરીમાં ખસેડશે અને પછી તેને પણ ચાર્જ ચૂકવવો પડશે.

₹2,000 કે તેનાથી ઓછી રકમની ચુકવણી પર મોટા વેપારીઓને પણ કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર વેપારી પાસેથી વધુમાં વધુ ₹300 વત્તા GST જ ચાર્જ લેવાશે. ₹2,000ની મર્યાદા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક પેમેન્ટ પર લાગુ થશે. પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને એજ્યુકેશન સાથે જોડાયેલા વેપારીઓને ₹2,000થી વધુની પેમેન્ટ પર 0.40%ના બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે. ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીમાં UPI પર MDR ચાર્જ હજુ પણ ઘણો ઓછો છે.

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ ફી છે, જે વેપારી ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે UPI જેવી ડિજિટલ પેમેન્ટ સુવિધા (પોઇન્ટ ઑફ સેલ મશીન કે પેમેન્ટ ગેટવે)ના ઉપયોગ બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્ક ચલાવવાના ખર્ચને પૂરો કરવા માટે લેવાય છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે નહીં.

વેપારી સંગઠનોએ UPI ચાર્જનો વિરોધ કર્યો છે. તેમની દલીલ છે કે રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ઓછા માર્જિન પર કામ કરે છે, તેથી ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ ખર્ચ વધારશે. ડિજિટલ પેમેન્ટનો ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવો જોઈએ, વેપારીઓ પર બોજો નાખવાનો નહીં. UPIને કારણે રોકડનો ઉપયોગ ઘટ્યો છે અને વેપારીઓ સિસ્ટમને પારદર્શક બનાવવામાં સહયોગ આપી રહ્યા છે, ત્યારે તેમના પર શુલ્ક વસૂલવું યોગ્ય નથી. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે વેપારીઓ પર ચાર્જ લગાવવો સજા સમાન છે. સરકારે આ નિર્ણય પર ફરી વિચાર ન કર્યો તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ તેમણે આપી છે.