સત્ય. સાહસ. સંકલ્પ.

UPI મર્ચન્ટ ચાર્જ દિવાળી સુધી મુલતવી: ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.4% ફી હવે પછી

UPI મર્ચન્ટ ચાર્જ દિવાળી સુધી મુલતવી: ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.4% ફી હવે પછી

ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા દુકાનદારો અને ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ UPI પેમેન્ટ પર લાગુ થનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જને દિવાળી સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ ચાર્જ 15 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો.

નવા પ્રસ્તાવ મુજબ, દુકાનદારોને ₹2,000થી વધુની રકમના UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ ચૂકવવો પડતો. જોકે, સામાન્ય લોકો વચ્ચે એટલે કે વ્યક્તિથી વ્યક્તિને થતા પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગતો નથી. NPCIએ જણાવ્યું છે કે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર્જ દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે તેની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

સરકારના MDR પ્રસ્તાવની મુખ્ય વિગતો જોઈએ તો, ₹2,000થી વધુની રકમ પર દુકાનદારને મળતા પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે. વધુમાં, ₹75,000 કે તેથી વધુના દરેક ટ્રાન્ઝેક્શન પર વધુમાં વધુ ₹300ની ફી લાગશે. રેલવે, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને ઇંધણ સેક્ટરમાં ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4%ને બદલે માત્ર ₹5નો ફ્લેટ ચાર્જ લાગશે.

આ ચાર્જ વેપારીએ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને નાણાં મોકલવા સંપૂર્ણપણે ફ્રી રહેશે.

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ ફી છે, જે કોઈ વેપારી કે દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઇન્ટ ઑફ સેલ મશીન કે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવાના બદલામાં બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પૂરો કરવા માટે લેવામાં આવે છે.

નવા નિયમોની વેપારીઓ પર અસર જોઈએ તો, મહિનામાં ₹1 લાખથી વધુ કમાણી કરનાર મોટા વેપારીઓએ ₹2,000થી વધુનું દરેક પેમેન્ટ સ્વીકારવા પર 0.4% MDR + GST ચૂકવવો પડશે. MDR ચાર્જ પર 18% GST લાગશે.

નાના વેપારીઓને રાહત આપતાં, જે વેપારીઓની મહિનામાં UPIથી કુલ કમાણી ₹1 લાખ સુધીની છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુ હોય. જો કોઈ નાનો દુકાનદાર સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુ UPI કલેક્શન મેળવે છે, તો બેંક તેને ઓટોમેટિક રીતે 'મોટા મર્ચન્ટ' (પર્સન-ટુ-મર્ચન્ટ)ની કેટેગરીમાં શિફ્ટ કરી દેશે. ત્યારબાદ તેણે પણ ચાર્જ ચૂકવવો પડશે.

મોટા વેપારીઓએ પણ ₹2,000 કે તેથી ઓછા નાના પેમેન્ટ્સ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ પાસેથી વધુમાં વધુ ₹300 + GST જ ચાર્જ લેવામાં આવશે. આ ₹2,000ની લિમિટ આખા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક એક પેમેન્ટ પર જોવામાં આવશે.

ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીમાં UPI પર MDR ચાર્જ ઘણો ઓછો છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે UPIને પ્રમોટ કરવા અને ફ્રી રાખવા માટે 2021-22થી પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. જેના હેઠળ ગ્રાહકથી નાના દુકાનદારને થતા ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર 0.15% ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું. 2024-25 સુધી આના પર ₹8,276 કરોડનું ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું છે. દેશમાં જૂન 2026 સુધી લગભગ 55.5 કરોડ UPI યુઝર્સ હતા.