UPI પેમેન્ટ પર લાગતો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. પહેલાં આ ચાર્જ 15 ઓક્ટોબરથી લાગુ કરવાનો હતો, જેમાં દુકાનદારને થતા ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગવાનો હતો. સામાન્ય લોકો વચ્ચે થતા ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે.
NPCIએ જણાવ્યું છે કે ચાર્જ દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.
સરકારના MDR પ્રસ્તાવની મુખ્ય વાતો:
- ₹2,000થી વધુ રકમના દુકાનદારને મળતા પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે.
- ₹75,000 કે તેથી વધુના દરેક ટ્રાન્ઝેક્શન પર વધુમાં વધુ ₹300 ફી.
- રેલવે, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને ઇંધણ સાથે જોડાયેલા વેપારીઓને ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર ફ્લેટ ₹5 ચાર્જ.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને નાણાં મોકલવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. આ ચાર્જ દુકાનદારે ચૂકવવો પડશે, ગ્રાહકે નહીં.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું છે?
MDR એટલે એ ફી જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઇન્ટ ઑફ સેલ મશીન કે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવાના બદલામાં બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પૂરો કરવા માટે લેવામાં આવે છે.
નવા નિયમો અને વેપારીઓ પર અસર
મોટા વેપારીઓ પર 0.4% ચાર્જ: મહિનામાં ₹1 લાખથી વધુ કમાણી કરનાર વેપારીઓએ ₹2,000થી વધુના દરેક પેમેન્ટ સ્વીકારવા પર 0.4% MDR સાથે 18% GST ચૂકવવો પડશે.
નાના વેપારીઓને રાહત: જે વેપારીઓની મહિનામાં UPIથી કુલ કમાણી ₹1 લાખ સુધીની છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુ કેમ ન હોય.
કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો દુકાનદાર સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુ UPI કલેક્શન મેળવે છે, તો બેંક તેને ઓટોમેટિક 'મોટા મર્ચન્ટ' (પર્સન-ટુ-મર્ચન્ટ)ની કેટેગરીમાં શિફ્ટ કરી દેશે. ત્યારબાદ તેણે પણ ચાર્જ ચૂકવવો પડશે.
₹2,000 સુધીનું વેચાણ ફ્રી: મોટા વેપારીઓએ પણ ₹2,000 કે તેથી ઓછા નાના પેમેન્ટ્સ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
મેક્સિમમ ચાર્જની લિમિટ: ₹75,000 કે તેથી મોટા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ પાસેથી વધુમાં વધુ ₹300 + GST જ ચાર્જ લેવામાં આવશે.
લિમિટ દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ: ₹2,000ની લિમિટ આખા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક એક પેમેન્ટ પર જોવામાં આવશે.
ખાસ સેક્ટર્સ માટે માત્ર ₹5ની ફ્લેટ ફી: પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને એજ્યુકેશન સાથે જોડાયેલા વેપારીઓએ ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.40%ને બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે.
કાર્ડની સરખામણીમાં હજુ પણ સસ્તું: ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીમાં UPI પર MDR ચાર્જ ઘણો ઓછો છે.
સરકારે UPI પર 4 વર્ષમાં ₹8,276 કરોડનો ખર્ચ ઉઠાવ્યો
સરકારે UPIને પ્રમોટ કરવા અને ફ્રી રાખવા માટે 2021-22થી પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. જેના હેઠળ ગ્રાહકથી નાના દુકાનદારને થતા ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર 0.15% ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું. 2024-25 સુધી આના પર ₹8,276 કરોડનું ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું છે. દેશમાં જૂન 2026 સુધી લગભગ 55.5 કરોડ UPI યુઝર્સ હતા.