નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યુપીઆઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું નવું માળખું જાહેર કર્યું છે. આ નવા નિયમો 15 ઓક્ટોબર, 2026થી લાગુ થશે.
નવા નિયમ મુજબ, ₹2,000 સુધીના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. જ્યારે ₹2,000થી વધુના પેમેન્ટ પર વેપારીઓએ 0.4% MDR ચૂકવવો પડશે. આ ચાર્જની મહત્તમ મર્યાદા ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. ઉદાહરણ તરીકે, ₹5,000ના પેમેન્ટ પર વેપારીને ₹20 ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4% પ્રમાણે ₹400 થવા છતાં વેપારી પાસેથી માત્ર ₹300 જ લેવામાં આવશે.
ગ્રાહકો માટે યુપીઆઈ પેમેન્ટ પહેલાની જેમ ફ્રી રહેશે. મિત્રો કે પરિવારને પૈસા મોકલતા P2P ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ ચાર્જ લાગશે નહીં. આ નવા નિયમનો સીધો બોજ ગ્રાહકો પર આવશે નહીં.
નાના વેપારીઓને પણ મોટી છૂટ મળશે. યુપીઆઈ QR કોડ દ્વારા દર મહિને ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવતા નાના વેપારીઓને MDRમાંથી છૂટ આપવામાં આવશે. એટલે નાના દુકાનદારો અને વેપારીઓ માટે આ વ્યવસ્થામાં વધારાનો ચાર્જ નહીં આવે.
રેલવે, વીમા, પેટ્રોલ પંપ, વીજળી-પાણી જેવા યુટિલિટી બિલ અને શિક્ષણ ફી જેવા ક્ષેત્રોમાં ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.4% MDRની જગ્યાએ માત્ર ₹5 પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ફ્લેટ ચાર્જ લાગશે.
મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ અને સ્ટોક બ્રોકર્સને કરવામાં આવતા પેમેન્ટ પર 0.02% MDR લાગશે. અહીં પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ચાર્જ ₹300 નક્કી કરવામાં આવ્યો છે.