સત્ય. સાહસ. સંકલ્પ.

UPI પર 15 ઓક્ટોબરથી MDR લાગુ: કોને GST ચૂકવવો પડશે, કોને છૂટ? જાણો તમામ સવાલોના જવાબ

UPI પર 15 ઓક્ટોબરથી MDR લાગુ: કોને GST ચૂકવવો પડશે, કોને છૂટ? જાણો તમામ સવાલોના જવાબ

નવી દિલ્હી: 15 ઓક્ટોબર 2026થી UPI ટ્રાન્ઝેક્શન પર નવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવા જઈ રહ્યો છે. સરકારના આ નિર્ણય બાદ દુકાનદારો અને વેપારીઓમાં ફી અને તેના પર લાગતા GST અંગે ઘણા સવાલો ઊભા થયા છે. શું ગ્રાહકોના ખિસ્સા પર અસર પડશે? નાના દુકાનદારોનું શું થશે? GSTની ગણતરી કેવી રીતે થશે? તમારા આવા તમામ સવાલોના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

સવાલ: 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટના નિયમોમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે?
જવાબ: 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ થશે. જોકે, આ ચાર્જ માત્ર વેપારીઓએ જ ચૂકવવો પડશે. મોટાભાગના કિસ્સાઓમાં MDRનો દર 0.4% રાખવામાં આવ્યો છે, જેની મહત્તમ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹300 નક્કી કરવામાં આવી છે. કેટલાક ખાસ સેક્ટર્સ માટે આ ફ્લેટ ₹5 અને કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન માટે 0.02% રહેશે.

સવાલ: શું સામાન્ય ગ્રાહકોને UPIથી ચુકવણી કરવા પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે?
જવાબ: ના, ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. સામાન્ય લોકો વચ્ચે થતી પર્સન-ટુ-પર્સન (P2P) ચુકવણીઓ પહેલાંની જેમ સંપૂર્ણપણે મફત રહેશે. આ ઉપરાંત કોઈ દુકાન અથવા વેપારીને ₹2,000 સુધીની UPI ચુકવણી કરવા પર પણ કોઈ ચાર્જ લાગશે નહીં. સરકાર અનુસાર, લગભગ 96% પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન પર તેની કોઈ અસર નહીં પડે.

સવાલ: શું ₹2,000 અથવા સમગ્ર UPI ટ્રાન્ઝેક્શનની રકમ પર 18% GST લાગશે?
જવાબ: ના, 18% GST સમગ્ર UPI ચુકવણીની રકમ પર નહીં, પરંતુ માત્ર MDR તરીકે લેવામાં આવતી સર્વિસ ફી પર લાગશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક કોઈ મર્ચન્ટને ₹10,000ની ચુકવણી કરે અને તેના પર 0.4% એટલે કે ₹40નું MDR બને, તો 18% GST માત્ર આ ₹40 પર લાગશે (જે ₹7.20 થાય છે). આ રીતે વેપારીને કુલ ₹47.20નો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે.

સવાલ: જો MDR ₹5ના ફ્લેટ દરે લાગતો હોય, તો GST કેટલો થશે?
જવાબ: જે ટ્રાન્ઝેક્શનમાં MDR ફ્લેટ ₹5 રાખવામાં આવ્યો છે, ત્યાં 18% GST મુજબ 90 પૈસાનો ટેક્સ થશે. આવા કિસ્સામાં વેપારીએ MDR અને GST મળીને કુલ ₹5.90ની ચુકવણી કરવી પડશે.

સવાલ: શું વેપારીઓ આ GSTનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરી શકે છે?
જવાબ: હા, જે બિઝનેસ GST હેઠળ રજિસ્ટર્ડ છે, તેઓ નિયમો અને શરતો અનુસાર MDR પર ચૂકવવામાં આવેલા GSTનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ કરી શકે છે. નિષ્ણાતોના મતે, રજિસ્ટર્ડ વેપારીઓ માટે આ GST કોઈ કાયમી કે વધારાનો ખર્ચ નહીં બને. જોકે, જે વ્યવસાયો GSTમાં રજિસ્ટર્ડ નથી, તેમના માટે આ એક વધારાનો ખર્ચ બની જશે.

સવાલ: નાના દુકાનદારો અને વેપારીઓ પર તેની શું અસર પડશે?
જવાબ: મોટા ભાગના નાના વેપારીઓ પર તેની કોઈ ખાસ અસર નહીં પડે. ઝીરો-MDR ફ્રેમવર્ક હેઠળ, જે નાના વેપારીઓ UPI QR કોડ દ્વારા મહિને ₹1 લાખ સુધીની ચુકવણી મેળવે છે, તેમના માટે MDR શૂન્ય જ રહેશે. નાણાં મંત્રાલય અનુસાર, ₹40 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા 99% વેપારીઓના UPI ટ્રાન્ઝેક્શન ₹2,000થી ઓછા હોય છે અથવા તેઓ મહિને ₹1 લાખની મુક્તિ મર્યાદામાં આવે છે.

સવાલ: શું ₹40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા કોઈ વેપારી પર પણ MDR લાગી શકે છે?
જવાબ: હા, કેટલાક કિસ્સામાં હોઈ શકે છે. જો કોઈ અનરજિસ્ટર્ડ વેપારીનું વાર્ષિક ટર્નઓવર ભલે ₹40 લાખથી ઓછું હોય, પરંતુ તેને મહિને ₹1 લાખથી વધુની UPI ચુકવણી મળી રહી હોય, તો તેને સ્મોલ મર્ચન્ટની છૂટ મળશે નહીં. આવી સ્થિતિમાં ₹2,000થી વધુની ચુકવણી પર તેને MDR અને GST ચૂકવવો પડશે. અધિકારીઓનું કહેવું છે કે આવા વેપારીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને આ મુદ્દો GST કાઉન્સિલ સમક્ષ પણ ઉઠાવવામાં આવી શકે છે.

સવાલ: શું દુકાનો અથવા વેપારીઓ MDRનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલ કરી શકે છે?
જવાબ: બિલકુલ નહીં. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે મર્ચન્ટ આ MDR ચાર્જ ગ્રાહકો પર ટ્રાન્સફર કરી શકતા નથી. બેંકો અને પેમેન્ટ પ્રોવાઇડર્સને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વેપારીઓ ગ્રાહકો પાસેથી અલગથી કોઈ વધારાનો ચાર્જ વસૂલ ન કરે.

સવાલ: કંપનીઓ અને દુકાનદારોએ પોતાના ખાતાઓમાં તેની એન્ટ્રી કેવી રીતે કરવી જોઈએ?
જવાબ: નિષ્ણાતોની સલાહ છે કે બિઝનેસોએ પોતાના UPI પેમેન્ટ્સનો હિસાબ રાખતી વખતે ચાર બાબતોને અલગ-અલગ જાળવવી જોઈએ: ગ્રાહક પાસેથી મળેલી કુલ રકમ, MDRનો ખર્ચ, GST ઇનપુટ ક્રેડિટ, અને બેન્કમાંથી સેટલ થઈને આવેલી ચોખ્ખી રકમ. આ ઉપરાંત, બેન્કોના સેટલમેન્ટ રિપોર્ટને પોતાના બેન્ક સ્ટેટમેન્ટ અને GST પોર્ટલ્સ (GSTR-2B) સાથે નિયમિત રીતે મેળવતા રહેવું જોઈએ.