નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI ટ્રાન્ઝેક્શન માટે નવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્ક જાહેર કર્યો છે. આ નવો નિયમ આવતા મહિનાની 15 તારીખથી લાગુ થશે.
નવા ફ્રેમવર્ક મુજબ, ₹2,000થી ઓછાના વ્યવહારો પર MDR શૂન્ય રહેશે. જ્યારે ₹2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR લાગશે.
પરંતુ સરકારે પાંચ મહત્ત્વના ક્ષેત્રો માટે ફ્લેટ ₹5 MDR મોડેલ દાખલ કર્યું છે. આ ક્ષેત્રોમાં ટ્રાન્ઝેક્શનની રકમ ભલે ગમે તેટલી મોટી હોય, પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર ₹5 જ MDR ચૂકવવો પડશે. આ નિર્ણય ઓછા માર્જિનવાળા ક્ષેત્રો માટે મોટી રાહત ગણાય છે.
ઉદાહરણ તરીકે, સામાન્ય નિયમ હેઠળ ₹10,000ના UPI પેમેન્ટ પર 0.4% લેખે ₹40 MDR ચૂકવવો પડે. પણ ફ્લેટ-રેટ મોડેલમાં સામેલ ક્ષેત્રોમાં ₹10,000ના પેમેન્ટ પર પણ માત્ર ₹5 જ MDR ચૂકવવો પડશે.
ફ્લેટ ₹5 MDR મોડેલમાં આ 5 ક્ષેત્રો સામેલ છે:
1. પેટ્રોલ પંપ: પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI પેમેન્ટ માટે 0.4%ના બદલે ફ્લેટ ₹5 MDR લાગશે. પેટ્રોલ-ડીઝલના વેચાણ પર માર્જિન મર્યાદિત હોવાથી રિટેલ વિક્રેતાઓ માટે ડિજિટલ પેમેન્ટ પરવડે તેવું રાખવા આ રાહત આપવામાં આવી છે.
2. રેલવે ટિકિટ બુકિંગ: ટ્રેન ટિકિટ ખરીદવા માટેના ₹2,000થી વધુના વ્યવહારો પર પણ ફ્લેટ ₹5 MDR લેવાશે. આ ચાર્જ મુસાફરો પર લાગશે નહીં. એટલે કે, સામાન્ય નાગરિકોએ ટિકિટ માટે વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે. આ ચાર્જ ટિકિટિંગ સેવા આપતી ઇન્ડિયન રેલવે ચૂકવશે.
3. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ: UPI દ્વારા વીમા પ્રીમિયમ ભરવા પર પણ ફ્લેટ ₹5નો નિયમ લાગુ થશે. પ્રીમિયમની રકમ ભલે લાખો રૂપિયામાં હોય, વીમા કંપની પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર ₹5 MDR જ લેવાશે.
4. ટેલિકોમ સેવાઓ: ₹2,000થી વધુના ટેલિકોમ ટ્રાન્ઝેક્શન્સને પણ આ યાદીમાં સમાવાયા છે. મોંઘા મોબાઈલ રિચાર્જ, બ્રોડબેન્ડ કે કોર્પોરેટ કનેક્શનના બિલ પેમેન્ટ પર ટેલિકોમ કંપનીઓએ પ્રતિ ટ્રાન્ઝેક્શન ફિક્સ્ડ ₹5નો દર આપવો પડશે.
5. વીજળી, પાણી અને PNG બિલ: રોજિંદા જીવન સાથે જોડાયેલી ઉપયોગિતા સેવાઓ જેવી કે વીજળી બિલ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી બિલ અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) બિલ ₹2,000થી વધુ હોય તો પણ કલેક્શન એજન્સી કે કંપની પર ફ્લેટ ₹5 MDR જ લાગશે.