યુપીઆઈ (UPI) વ્યવહારો પર ચાર્જ લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ અંજન દત્તા દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં નાણાં મંત્રાલયે 14 અને 15 સપ્ટેમ્બરે બહાર પાડેલા ગેઝેટ નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી છે.
આ નોટિફિકેશન મુજબ 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના કોમર્શિયલ UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ જાહેરાત કરી છે કે પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) વ્યવહારો પર વેપારીઓને 0.4 ટકા ફી ચૂકવવી પડશે, જ્યારે ₹75,000 કે તેથી વધુની ચૂકવણી પર વધુમાં વધુ ₹300ની મર્યાદા રહેશે.
અરજદારે દલીલ કરી છે કે આ ચાર્જ ભલે સીધો વેપારીઓ પર લાગુ થતો હોય, પણ તેની આખરી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર જ પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે UPI વ્યવહારો પર ચાર્જ લગાવવાથી ફરી રોકડ વ્યવહારો વધવાની શક્યતા છે, જે ડિજિટલ અર્થતંત્ર માટે નુકસાનકારક બની શકે છે.
અરજીમાં કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI), NPCI અને UPI સાથે સંકળાયેલી સંસ્થાઓને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજદારે બંને નોટિફિકેશન તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ નિર્ણય દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે જરૂરી છે. સરકારના જણાવ્યા મુજબ, UPI ને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાથી તે વધુ સુરક્ષિત બનશે અને સાયબર જોખમો સામે લડવા માટે નવી ટેક્નોલોજીમાં રોકાણ શક્ય બનશે.