નવી દિલ્હી: UPI પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો નિર્ણય 2027ની વિધાનસભા ચૂંટણીઓ પછી સુધી ટળી શકે છે. આ દરખાસ્ત હેઠળ ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR ચાર્જ લગાવવાની યોજના છે. જોકે, સામાન્ય યુઝર્સ દ્વારા એકબીજને પૈસા મોકલવા (P2P) અથવા નાના ડિજિટલ પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણયમાં છેલ્લી ઘડીએ ફેરફાર કર્યો હતો. 15 ઑક્ટોબરથી આ ચાર્જ લાગુ થવાનો હતો, પરંતુ પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન માટે તેનો અમલ દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. પહેલા એવી ચર્ચા હતી કે દિવાળી બાદ UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ લાગુ થઈ જશે. પરંતુ મનીકંટ્રોલના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હવે આવનાર નવા વર્ષ 2027માં અમલવારી થશે.
નવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્ક હેઠળ ₹5નો કન્સેશનલ દર રાખવામાં આવ્યો છે. નિર્ધારિત પાંચ કેટેગરીમાં ₹2,001 કે તેથી વધુ ગમે તેટલું મોટું પેમેન્ટ કરવામાં આવે તો પણ MDR પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર ₹5 જ રહેશે. આ નિર્ણય ખાસ કરીને એવા ક્ષેત્રો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે જ્યાં વ્યવહારોનું મૂલ્ય ઘણું ઊંચું હોય છે પરંતુ નફાનું માર્જિન ઓછું હોય છે. ઉદાહરણ તરીકે, સામાન્ય નિયમ મુજબ ₹10,000ના UPI પેમેન્ટ પર 0.4% લેખે વેપારીએ ₹40નો MDR ચૂકવવો પડે, પરંતુ ફ્લેટ-રેટ મોડેલમાં સામેલ સેક્ટર્સને ₹10,000ના પેમેન્ટ સામે માત્ર ₹5નો જ MDR ચૂકવવો પડશે.
ફ્લેટ ₹5 MDR મોડેલમાં સામેલ આ 5 મોટા વ્યવહારો:
1. પેટ્રોલ પંપ: પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI પેમેન્ટ માટે 0.4%ના બદલે ફ્લેટ ₹5 MDR લાગુ થશે. પેટ્રોલ-ડીઝલના વેચાણ પર માર્જિન મર્યાદિત હોવાથી રિટેલ વિક્રેતાઓ માટે ડિજિટલ પેમેન્ટને પરવડે તેવું રાખવા આ રાહત આપવામાં આવી છે.
2. રેલવે ટિકિટ બુકિંગ: ટ્રેન ટિકિટ ખરીદવા માટે કરવામાં આવતા ₹2,000થી વધુના વ્યવહારો પર પણ ફ્લેટ ₹5 MDR લેવાશે. આ ચાર્જ મુસાફરો પર લાગશે નહીં, એટલે કે સામાન્ય નાગરિકોએ ટિકિટ માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે, પરંતુ ટિકિટિંગ સેવા આપતી ઇન્ડિયન રેલવે આ ચાર્જ ચૂકવશે.
3. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ: UPI દ્વારા વીમા પ્રીમિયમ ભરવા પર પણ ફ્લેટ ₹5નો નિયમ લાગુ કરાયો છે. પ્રીમિયમની રકમ ભલે લાખો રૂપિયામાં હોય, વીમા કંપની પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર ₹5 MDR જ લેવામાં આવશે.
4. ટેલિકોમ સેવાઓ: ₹2,000થી વધુના ટેલિકોમ ટ્રાન્ઝેક્શન્સને પણ આ યાદીમાં સમાવાયા છે. મોંઘા મોબાઈલ રિચાર્જ, બ્રોડબેન્ડ કે કોર્પોરેટ કનેક્શનના બિલ પેમેન્ટ પર ટેલિકોમ કંપનીઓએ પ્રતિ ટ્રાન્ઝેક્શન ફિક્સ્ડ ₹5નો જ દર આપવો પડશે.
5. વીજળી, પાણી અને PNG બિલ: સામાન્ય જનજીવન સાથે જોડાયેલી ઉપયોગિતા સેવાઓ જેવી કે વીજળી બિલ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી બિલ અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) બિલ પેમેન્ટ ₹2,000થી વધુ હોય તો પણ કલેક્શન એજન્સી કે કંપની પર માત્ર ફ્લેટ ₹5 MDR જ લાગશે.