નવી દિલ્હી: UPI પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાદવાના નિર્ણય પર શરૂ થયેલા રાજકીય વિવાદ વચ્ચે નાણા મંત્રાલયે સોમવારે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું કે, 15 ઑક્ટોબર, 2026થી અમલમાં આવનારો આ નિર્ણય કોઈ વિદેશી દબાણ હેઠળ લેવાયો નથી. તેનો હેતુ ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને ટકાઉ, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાનો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આક્ષણ કર્યો હતો કે શૂન્ય MDRની વ્યવસ્થા ખતમ કરવાનો નિર્ણય અમેરિકન માંગણીઓ સામે ઝૂકીને લેવાયો છે, જેથી માસ્ટરકાર્ડ અને વિઝા જેવી અમેરિકન કાર્ડ કંપનીઓને UPI સામે હરીફાઈમાં લાભ મળે. તેમણે આ નિર્ણયને 'ટ્રમ્પને ખુશ કરવાનો પ્રયાસ' ગણાવ્યો હતો.
આ આક્ષેપોને ફગાવતાં નાણા મંત્રાલયે જણાવ્યું કે, ભારત પોતાના નીતિગત નિર્ણયો સ્વાયત્ત રીતે લે છે. UPI 2016માં શરૂ થયું ત્યારથી આજે તે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂક્યું છે. એકલા ઑગસ્ટ 2026માં જ UPI મારફતે 24.5 અબજ વ્યવહારો નોંધાયા હતા. સિસ્ટમનો વ્યાપ વધતાં તેને આર્થિક રીતે ટકાઉ બનાવવી જરૂરી બની છે.
મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે, સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ પર આ ચાર્જની કોઈ અસર થશે નહીં. દેશમાં 95%થી વધુ વ્યવહારો મફત રહેશે.
સરકારે આપેલી સ્પષ્ટતા મુજબ:
- P2P ટ્રાન્સફર: પરિવાર કે મિત્રોને નાણાં મોકલવા કાયમ માટે 100% મફત રહેશે, પછી ભલે રકમ ગમે તેટલી હોય.
- દુકાનો પર ખરીદી: ગ્રાહક QR કોડ સ્કેન કરીને ગમે તેટલી રકમની ખરીદી કરે તો પણ તેના ખાતામાંથી વધારાનો 1 રૂપિયો પણ કપાશે નહીં.
- નાના વેપારીઓ: દર મહિને ₹1,00,000 સુધીનું UPI પેમેન્ટ મેળવતા નાના દુકાનદારો માટે MDR શૂન્ય રહેશે. દેશમાં 95%થી વધુ વેપારી વ્યવહારો ₹2,000થી નીચેના હોવાથી તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં.
બૅન્કોને સખત સૂચના આપવામાં આવી છે કે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર પાસ ન કરે. કોઈ પણ UPI એપ વધારાની પ્લેટફોર્મ ફી વસૂલી શકશે નહીં.
નવા નિયમ મુજબ, મોટા વેપારીઓના ₹2,000થી વધુના વ્યવહારો પર 0.4% (મહત્તમ ₹300) MDR લાગશે, જે વેપારીએ ચૂકવવો પડશે. રેલવે, પેટ્રોલ, બિલ જેવી આવશ્યક સેવાઓના ₹2,000થી વધુના વ્યવહારો પર ફ્લેટ ₹5 ચાર્જ લાગશે. મ્યુચ્યુઅલ ફંડ અને સિક્યોરિટીઝના મોટા વ્યવહારો પર 0.02% (મહત્તમ ₹300) ચાર્જ રહેશે, જે સંબંધિત સંસ્થા ચૂકવશે.
આમ, સરકારનો દાવો છે કે આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ મજબૂત બનશે અને સામાન્ય માણસ પર કોઈ આર્થિક બોજ નહીં પડે.