સત્ય. સાહસ. સંકલ્પ.

UPI પર 0.40% MDR ચાર્જ: વેપારીઓ ગ્રાહકો પાસેથી વસૂલવાની તૈયારીમાં, નાણામંત્રાલયે રોકડ વ્યવહાર વધવાનો ભય નકાર્યો

UPI પર 0.40% MDR ચાર્જ: વેપારીઓ ગ્રાહકો પાસેથી વસૂલવાની તૈયારીમાં, નાણામંત્રાલયે રોકડ વ્યવહાર વધવાનો ભય નકાર્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રૂ. 2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.40 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ દેશભરમાં વિવાદ શરૂ થયો છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોમાં આ અંગે ચિંતા ફેલાઈ છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલશે અથવા UPI બંધ કરીને રોકડ વ્યવહાર શરૂ કરશે.

વેપારીઓએ જણાવ્યું છે કે મોંઘવારી અને સ્પર્ધાના સમયમાં આ ચાર્જનો બોજ તેમના પર નાખવામાં આવ્યો છે, જેની અસર ગ્રાહકો પર પણ પડશે. એક વેપારીએ જીએસટીના સમયને યાદ કરતાં કહ્યું કે તે સમયે પણ ગ્રાહકોએ જ બોજ ઉઠાવ્યો હતો. આ ચાર્જ પણ ગ્રાહકો પર જ નાખવામાં આવશે. તેમનું માનવું છે કે સરકારનો આ નિર્ણય અયોગ્ય છે અને તેનાથી ડિજિટલ પેમેન્ટને નુકસાન થઈ શકે છે.

એક ફાર્મા કંપનીના ડિરેક્ટર રાહુલ મમ્મને જણાવ્યું કે 0.40 ટકા MDRથી 2થી 3 ટકાના માર્જિનવાળી કંપનીઓને 11થી 17 ટકા સુધી અસર થઈ શકે છે. તેમની કંપની પર વાર્ષિક રૂ. 1.2 કરોડનો બોજ પડી શકે છે. સરકાર પીછેહઠ નહીં કરે તો તેઓ UPI પેમેન્ટ મર્યાદિત કરી શકે છે.

બીજી બાજુ, નાણામંત્રાલયે રોકડ વ્યવહાર વધવાનો ભય નકારી કાઢ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, MDRની અસર UPI ટ્રાન્ઝેક્શનના માત્ર 4 ટકા વોલ્યુમ પર જ પડશે. રૂપે ડેબિટ કાર્ડ પર ગમે તેટલી રકમનો વ્યવહાર મફત છે. વેપારીઓ ગ્રાહકો પર ચાર્જ ન નાખે તે માટે નિરીક્ષણ મિકેનિઝમ ગોઠવવાની તૈયારી છે. UPI એપ અને અન્ય હિસ્સેદારો સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. આ પ્રકારનો ચાર્જ અન્ય દેશોમાં પણ વસૂલવામાં આવે છે.

નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહિડીએ MDRનું સમર્થન કરતાં કહ્યું કે સરકાર ટેક્સ વગર ચાલી શકે નહીં. સરકાર મામૂલી ચાર્જ વસૂલી રહી છે અને તેનાથી લોકોને તકલીફ ન થવી જોઈએ.