ડિજિટલ યુગમાં યુપીઆઈ પેમેન્ટ સામાન્ય બની ગયું છે, પરંતુ સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. પંજાબના ભટિંડામાં એક ગ્રાહકના ખાતામાંથી માત્ર પાંચ મિનિટમાં 72,495 રૂપિયા ઉપડી ગયા હતા. આ મામલે પંજાબ રાજ્ય ગ્રાહક આયોગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં બેંકને પૂરી રકમ વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભટિંડાના રહેવાસી વિજય કુમાર સાથે 4 જૂન, 2019ના રોજ આ ઘટના બની હતી. બપોરે 1:06 થી 1:11 વાગ્યા વચ્ચે તેમના મોબાઈલ પર સતત પૈસા કપાવાના સંદેશા આવ્યા. આ પાંચ મિનિટના ગાળામાં 11 અનધિકૃત વ્યવહારો થયા, જેમાં 4,999 થી 10,000 રૂપિયા સુધીની રકમ ઉપાડવામાં આવી. વિજય કુમારે તરત જ બેંકનો સંપર્ક કરી ખાતું બ્લોક કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ 4 અને 5 જૂન દરમિયાન વિવિધ ડિજિટલ પેમેન્ટ એપ્સ દ્વારા કુલ 72,495 રૂપિયા ઉપડી ગયા. તેમણે તે જ દિવસે બેંક અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ગ્રાહક સુરક્ષા આયોગમાં બેંકે પોતાનો બચાવ કરતા કહ્યું કે તમામ વ્યવહારો ગ્રાહકના એમપીન (મોબાઈલ પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર) દ્વારા ઓથોરાઈઝ થયા હતા. બેંકે દલીલ કરી કે ગ્રાહકે છેલ્લે 9 એપ્રિલ, 2019ના રોજ પોતાનો એમપીન બનાવ્યો હતો અને ત્યારબાદ તેને બદલ્યો નહોતો, તેથી પિન શેર થવાની અથવા બેદરકારીથી લીક થવાની શંકા છે.
પંજાબ રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે બેંકની દલીલો ફગાવી દીધી. આયોગે જણાવ્યું કે માત્ર એમપીનના ઉપયોગથી એ સાબિત થતું નથી કે ગ્રાહકે પોતે વ્યવહાર કર્યો છે અથવા ચોરી ગ્રાહકની બેદરકારીને કારણે થઈ છે. બેંક ગ્રાહકની ભૂલનો કોઈ નક્કર પુરાવો રજૂ કરી શકી નહોતી. આયોગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 6 જુલાઈ, 2017ના પરિપત્રનો ઉલ્લેખ કર્યો, જે મુજબ જો ગ્રાહક નિર્ધારિત સમયમાં અનધિકૃત વ્યવહારની ફરિયાદ કરે તો તેને નુકસાન માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. વિજય કુમારે સમયસર ફરિયાદ કરી હોવાથી તેઓ સંપૂર્ણ વળતરના હકદાર છે.
જિલ્લા આયોગના નિર્ણયને માન્ય રાખતા રાજ્ય આયોગે બેંકને 72,495 રૂપિયા યોગ્ય વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, માનસિક હાલાકી માટે 5,000 રૂપિયા અને કાનૂની ખર્ચ પેટે 5,000 રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ ચુકાદો સામાન્ય નાગરિકો માટે મહત્વપૂર્ણ છે. જો તમારા ખાતામાંથી અનધિકૃત વ્યવહાર થાય, તો ગભરાયા વિના તાત્કાલિક બેંક અને સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી પૈસા પાછા મેળવવાનો રસ્તો ખુલ્લો રહે.