સત્ય. સાહસ. સંકલ્પ.

UPI પર ચાર્જ હજુ લાગુ નથી, પણ વેપારીઓ પાસેથી વસૂલી શરૂ: સર્વેમાં દાવો

UPI પર ચાર્જ હજુ લાગુ નથી, પણ વેપારીઓ પાસેથી વસૂલી શરૂ: સર્વેમાં દાવો

ભારતીય સ્કૂલ ઓફ બિઝનેસ (ISB)ના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, UPI પર હજુ સુધી કોઈ ચાર્જ લાગુ થયો નથી, પરંતુ કેટલાક વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ માગવામાં આવી રહ્યો છે.

સર્વે મુજબ, 14 રાજ્યોના 64 શહેરોમાં 722 વેપારીઓમાંથી 10.4% એ જણાવ્યું કે તેમના સપ્લાયરોએ UPI દ્વારા કરવામાં આવતી ચૂકવણીઓ માટે વધારાનો ચાર્જ માંગ્યો હતો. જે દુકાનદારોએ હાલમાં UPI ચાર્જ નથી આપવો તેઓને પણ સપ્લાયરો દ્વારા લાદવામાં આવેલા એક્સ્ટ્રા ચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે.

ISBના સેન્ટર ફૉર એનાલિટિકલ ફાઈનાન્સે આ સર્વે 24 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કર્યો હતો. સર્વેમાં 10.4 ટકા વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસોમાં તેમના સપ્લાયરે UPIથી પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ માગ્યો હતો.

અહેવાલો અનુસાર, ઘણા સપ્લાયર્સે વેપારીઓને સ્પષ્ટ જણાવ્યું કે, જો તેઓ UPI દ્વારા ચૂકવણી કરશે તો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે રોકડ ચૂકવણી માટે આવો કોઈ એક્સ્ટ્રા ચાર્જ માગવામાં આવતો નથી. આનાથી નાના દુકાનદારોનો ખર્ચ વધી શકે છે.

UPI પેમેન્ટ્સ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ અંતર્ગત, અમુક મોટા વેપારીઓએ ₹2,000 થી વધુના ચોક્કસ UPI ટ્રાન્જેક્શન પર 0.4 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જની મહત્તમ મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, રેલવે, ફ્યુઅલ અને શિક્ષણ જેવી કેટલીક કેટેગરીઓ માટે, ₹2,000 થી વધુના વ્યવહારો પર ₹5નો ફ્લેટ ચાર્જ લગાવવાનો પ્રસ્તાવ છે.

આ વ્યવસ્થા શરૂઆતમાં 15 ઑક્ટોબરથી અમલમાં આવવાની હતી, પરંતુ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ તેને દિવાળી પછી મુલતવી રાખી છે. તેના અમલીકરણ માટેની નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.