થોડા દિવસો પહેલા UPI પર ચાર્જ લાગવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે સરકારે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે UPI પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.
હવે નીતિ આયોગના વાઇસ ચેરમેન અશોક લહિરીએ કહ્યું છે કે UPI હંમેશા માટે ફ્રી રહી શકે નહીં અને ભવિષ્યમાં તેના પર ચાર્જ લગાવવામાં આવી શકે છે.
મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 (GFF 2026) ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં પહોંચેલા લહિરીએ મનીકંટ્રોલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે UPIના ચાર્જ અંગે પણ વાત કરી હતી.
અશોક લહિરીને પૂછવામાં આવ્યું કે મર્ચન્ટ પેમેન્ટ માટે UPI ચાર્જ કેટલી જલદી લાગુ થઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ તેની કોઈ ચોક્કસ તારીખ જણાવી શકતા નથી.
તેમણે કહ્યું, "હું તમને કોઈ ચોક્કસ સમયમર્યાદા તો જણાવી શકતો નથી, પરંતુ જેટલી ઝડપથી આ થાય તેટલું સારું છે, કારણ કે તેમાં ખર્ચ થાય છે. ઘણી વખત આપણે ઈચ્છીએ છીએ કે વસ્તુઓ મફતમાં મળે, પરંતુ આ લાંબા સમય સુધી ચાલી શકે નહીં, કારણ કે તેમાં ઓપરેટિંગ અને સેટઅપનો ખર્ચ સામેલ હોય છે."
તેમના જણાવ્યા મુજબ, ફિનટેક કંપનીઓ પાસે ટકાઉ નાણાકીય મોડલ હોવું જરૂરી છે. લોકો પાસેથી બિઝનેસ કે બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ લેવો કે નહીં, લોકો વચ્ચેના ટ્રાન્ઝેક્શનને ફ્રી રાખવા કે નહીં અથવા કોઈ મિનિમમ લિમિટ નક્કી કરવી કે નહીં, આ તમામ બાબતો નિષ્ણાતો નક્કી કરશે. જોકે, તેમનું માનવું છે કે UPI પોતાનો ખર્ચ ઉઠાવી શકે તેવું હોવું જોઈએ.
ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે UPI પર ચાર્જ લાગ્યા બાદ તેનો ઉપયોગ ઘટી શકે છે કે કેમ. તેના જવાબમાં તેમણે કહ્યું કે જો ચાર્જ લાગશે તો તે થોડા બેસિસ પોઇન્ટ્સ જેટલો જ હશે અને એક ટકાથી પણ ઓછો હશે.
તેમણે કહ્યું કે ભારતીય વસ્તીનો મોટો હિસ્સો એવો છે જે દરેક 100 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર લાગતા થોડા પૈસાની સરખામણીએ સર્વિસની ગુણવત્તાને વધુ મહત્વ આપે છે. UPIના ભવિષ્યમાં સર્વિસની ગુણવત્તા, વિશ્વસનીયતા અને મજબૂતી મહત્વની રહેશે.
જોકે, અશોક લહિરીએ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ક્યારથી લાગુ થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી નથી. તેમનું આ નિવેદન સરકાર દ્વારા તાજેતરમાં કાયદામાં કરવામાં આવેલા ફેરફારો બાદ આવ્યું છે. આ ફેરફાર હેઠળ UPI ટ્રાન્ઝેક્શન પર તમામ માટે ફરજિયાત ઝીરો-MDRની જોગવાઈ દૂર કરવામાં આવી છે. તેના કારણે પસંદગીના વધુ કિંમતવાળા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર નાનો ચાર્જ લગાવવાનો માર્ગ ખુલ્યો છે.