સત્ય. સાહસ. સંકલ્પ.

UPI પર ચાર્જની ચિંતા: વેપારીઓએ ક્યુઆર કોડ દૂર કર્યા, ફરી કેશ તરફ વળવાની શક્યતા

UPI પર ચાર્જની ચિંતા: વેપારીઓએ ક્યુઆર કોડ દૂર કર્યા, ફરી કેશ તરફ વળવાની શક્યતા

૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રૂ. ૨,૦૦૦થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ થશે. સરકારના આ નિર્ણયથી વેપારીઓમાં ભારે નારાજગી છે અને તેઓ ફરી કેશ અને ચેકના વ્યવહાર તરફ વળવાની ચર્ચા કરી રહ્યા છે.

વેપારીઓનું કહેવું છે કે રૂ. ૨,૦૦૦ની મર્યાદા વધારીને રૂ. ૫૦,૦૦૦ કે રૂ. ૧,૦૦,૦૦૦ કરવી જોઈએ. પહેલા વેપારીઓ અને લોકોને UPI માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને હવે ચાર્જ લગાવવો યોગ્ય નથી. સરકારના આ નિર્ણયને લઈને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી.

સુરતના કાપડ વેપારીઓએ બિલ પરથી ક્યુઆર કોડ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના કેશલેસ ઇકોનોમીના અભિયાન બાદ સુરતના લગભગ ૭૦,૦૦૦ જેટલા કાપડ વેપારીઓ અને ટ્રેડર્સ ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા હતા. અત્યાર સુધી નાના-મોટા વેપારીઓ રૂ. ૫,૦૦૦થી રૂ. ૨૦,૦૦૦નો માલ ખરીદતા અને ઇન્સ્ટન્ટ UPIથી પેમેન્ટ કરતા, જેનાથી માલ તરત જ પેક થઈ જતો હતો. પરંતુ હવે UPI ચાર્જથી બચવા માટે પેમેન્ટ ચેકથી સ્વીકારવામાં આવશે. ચેક ક્લિયર થવામાં ૩થી ૪ દિવસનો સમય લાગતો હોવાથી વેપારમાં ઢીલાશ આવશે અને બહારગામના વેપારીઓના માલની ડિલિવરીમાં પણ વિલંબ થશે.

કાપડ વેપારી રંગનાથ શારદાએ આ ૦.૪% ચાર્જની ગણતરી સમજાવતા કહ્યું, "આ ચાર્જની અસર સીધી કાપડની પડતર કિંમત પર પડશે. કારણ કે કાપડ બનવાના દરેક તબક્કે ૦.૪% ચાર્જ લાગશે. અમે વર્કવાળાને, ગ્રે વાળાને, મિલ વાળાને અને પાર્ટીને પેમેન્ટ આપીશું, ત્યારબાદ સેમી હોલસેલથી લઈને રિટેલ સુધી દરેક જગ્યાએ ચાર્જ લાગશે. આમ, આજના સમયમાં કાપડ પર ૨થી ૨.૫% માર્જિન આપોઆપ જોડાઈ જશે, જેના કારણે કાપડ મોંઘું થશે અને વેચાણ ઘટશે."

વેપારી સંજય અગ્રવાલે સરકારને અપીલ કરતા જણાવ્યું, "આ નિર્ણયની સીધી અસર નાના વેપારીઓ પર પડશે. ૯૦% લોકો અત્યારે કેશલેસ સિસ્ટમમાં જોડાઈ ગયા છે. પરંતુ જો UPI પર ફરીથી ટેક્સ લાગશે, તો લોકો પાછા કેશ અને પેપર પદ્ધતિ તરફ વળી જશે."

અમદાવાદના આઈ.એચ. જ્વેલર્સના મેનેજર જીતેશ વ્યાસે જણાવ્યું કે, સરકારે UPI માટે ૧૫ ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. રૂ. ૨,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન પર ૦.૦૪% MDR લાગુ કરવામાં આવશે. મલ્ટીપલ લેવલે જોવા જઈએ તો ટ્રાન્ઝેક્શન ચાર્જ વધી જતો હોય છે. જેથી તેની અસર ચોક્કસ થશે. જ્વેલર્સના તમામ લોકોએ થોડી નેગેટિવ અસર જોવા મળવાની છે. ગ્રાહકો સાથે હવે બેંક દ્વારા કે અન્ય કોઈ રીતે ટ્રાન્ઝેક્શન કરાવવા તે અંગે વિચાર કરીશું. જ્વેલર્સના બિલ મોટી રકમના બનતા હોય છે, ચાર્જના કારણે ખર્ચનું ભારણ વધવાની ભીતિ છે.

વડોદરાના વેપારીઓ પણ ચાર્જને લઈને પરેશાન છે. ફૂટવેર મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના કન્વીનર ભરત ચૌહાણે કહ્યું, "અમે વેપારી વિકાસ એસોસિએશન તરીકે સરકારના આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. સરકારે રૂ. ૨,૦૦૦થી ઉપરના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાની વાત કરી છે, પરંતુ આજે રૂ. ૨,૦૦૦ની મર્યાદા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આજે તેલનો ડબ્બો કે બૂટની બે જોડી જેવી સામાન્ય વસ્તુઓ ખરીદવા જઈએ તો પણ રૂ. ૨,૫૦૦નું બિલ થઈ જાય છે. આવા સંજોગોમાં ગ્રાહક વધારાનો ચાર્જ આપવાની ના પાડે, તો એ બોજ વેપારીએ પોતે સહન કરવો પડે છે."

વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળના મંત્રી હર્ષલ અમીને જણાવ્યું, "અમારી શાળાઓમાં પણ કોવિડ પછીના સમયમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. UPI દ્વારા ઘણી બધી શાળાઓ ફી સ્વીકારે છે અને ઘણા વાલીઓની ફી UPI મારફતે જ અમારી પાસે આવી રહી છે. જો સરકાર આમાં ચાર્જીસ લાગુ કરશે તો વાલીઓ પણ વિચારશે અને જો તેઓ આ ચાર્જીસ વહન નહીં કરે તો UPI દ્વારા થઈ રહેલા ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થશે. જો ચાર્જીસ લાગુ પડે, તો વાલીઓ ડિજિટલ પેમેન્ટને બદલે ફરીથી ચેક અથવા કેશ આપવાનું પસંદ કરશે. શિક્ષણ જેવા સેવાકીય ક્ષેત્રો માટે આ નિર્ણય પર પુનઃવિચારણા કરવી જોઈએ."

રાજકોટના ઇગલ પેટ્રોલપંપના મોહમ્મદભાઈએ જણાવ્યું, "અમે ઓનલાઈન સેવા ચાલુ જ રાખી છે અને ચાલુ રાખીશું. રૂ. ૨,૦૦૦ ઉપરના પેમેન્ટ પર ચાર્જ લાગવાનું ૧૫ ઓક્ટોબરથી શરૂ થવાનું છે. જોકે અમે અમારા ગ્રાહકોને પરેશાન નહીં કરીએ."