નવી દિલ્હી: 15 ઑક્ટોબરથી 2,000 રૂપિયાથી વધુના UPI મર્ચન્ટ પેમેન્ટ પર 0.4% ચાર્જ (MDR) લાગુ થવાનો છે. તે પહેલાં જ લોકલસર્કલ્સના એક સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સર્વે મુજબ, 83% દુકાનદારો આ ચાર્જ ચૂકવવા તૈયાર નથી. બીજી તરફ, જો દુકાનદારો આ ખર્ચ ગ્રાહકો પર નાખે તો 86% લોકો UPIથી પેમેન્ટ કરવાનું બંધ કરી દેશે.
લોકલસર્કલ્સે દેશના 242 જિલ્લાઓમાં 32,000થી વધુ વેપારીઓ પર સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે માત્ર 17% મર્ચન્ટ્સ જ 0.4% MDRનો બોજ ઉઠાવવા તૈયાર છે. 41% વેપારીઓએ સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈપણ શુલ્ક ચૂકવશે નહીં. 15% વેપારીઓ મહત્તમ 0.04% સુધીનું શુલ્ક ચૂકવવાની તરફેણમાં છે, જ્યારે 9% વ્યવસાયિકોએ કહ્યું કે તેઓ UPI સ્વીકારતા જ નથી. એકંદરે 83% વેપારીઓ આ શુલ્ક પોતે સહન કરવાના મૂડમાં નથી.
બીજી બાજુ, 291 જિલ્લાઓના 67,000થી વધુ UPI વપરાશકર્તાઓને પણ આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. 86% વપરાશકર્તાઓએ કહ્યું કે તેઓ ₹2,000થી વધુની ચુકવણી માટે UPI છોડીને અન્ય વિકલ્પો અપનાવશે. તેમાં 26% લોકોએ રોકડ આપવાની, 26% લોકોએ ક્રેડિટ કાર્ડ અને 13% લોકોએ ડેબિટ કાર્ડ વાપરવાની વાત કહી. માત્ર 11% લોકો જ વધારાનો ચાર્જ ચૂકવીને પણ UPIથી પેમેન્ટ ચાલુ રાખવા તૈયાર દેખાયા. 9% ગ્રાહકો ચાર્જ વિનાનો બીજો વિકલ્પ માંગશે, 4% લોકો બેંક ટ્રાન્સફર કરશે, 2% ખરીદી મુલતવી રાખશે અને 4% લોકોએ કોઈ મત આપ્યો નથી.
દુકાનદારોને થતા કુલ UPI પેમેન્ટમાં ₹2,000થી વધુના પેમેન્ટ સંખ્યાની દૃષ્ટિએ 5%થી પણ ઓછા છે. પરંતુ મૂલ્યની દૃષ્ટિએ આ આંકડો ઘણો મોટો બની જાય છે. કુલ રકમનો આશરે 67% હિસ્સો આ મોટા પેમેન્ટ્સમાંથી આવે છે. આ દર મહિને આશરે ₹6 લાખ કરોડ જેટલું થાય છે, જે સમગ્ર દેશમાં થતા કુલ UPI વ્યવહારોની કુલ કિંમતના લગભગ 20% જેટલું છે. એટલે કે મોટા વ્યવહારો ભલે સંખ્યામાં ઓછા હોય, પરંતુ બજારમાં ફરતા નાણાંનો મોટો હિસ્સો આ વ્યવહારોમાંથી આવે છે.
કારણ કે 83% વેપારીઓ MDR ચૂકવવા તૈયાર નથી, તેથી તેઓ કાં તો આ શુલ્ક ગ્રાહકો પાસેથી ખુલ્લેઆમ સરચાર્જ તરીકે વસૂલ કરી શકે છે, તેને પ્રોડક્ટ્સ અથવા સેવાઓની કિંમતોમાં ઉમેરી શકે છે, અથવા ગ્રાહકોને કેશ/કાર્ડ જેવા અન્ય પેમેન્ટ મોડ અપનાવવા કહી શકે છે.