સત્ય. સાહસ. સંકલ્પ.

UPI હવે 10 દેશોમાં ચાલશે: બુર્જ ખલીફા અને યુનિવર્સલ સ્ટુડિયોઝની ટિકિટ પણ UPIથી બુક થશે

UPI હવે 10 દેશોમાં ચાલશે: બુર્જ ખલીફા અને યુનિવર્સલ સ્ટુડિયોઝની ટિકિટ પણ UPIથી બુક થશે

વિદેશ ફરવા જતા ભારતીયો માટે એક ઉપયોગી સમાચાર છે. હવે દુબઈમાં બુર્જ ખલીફાની ટિકિટ અને સિંગાપોરમાં યુનિવર્સલ સ્ટુડિયોઝની ટિકિટ UPIથી ઓનલાઇન બુક કરી શકાશે. આ માટે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બીજા પેમેન્ટ ગેટવેની જરૂર પડશે નહીં.

નાણાં મંત્રાલયની જાણ મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ની આંતરરાષ્ટ્રીય શાખા NIPLએ આ બંને જગ્યાએ UPI પેમેન્ટની સુવિધા શરૂ કરી છે. આ સાથે હવે 10 દેશોમાં UPIથી પેમેન્ટ કરી શકાય છે. ઉઝબેકિસ્તાન ટૂંક સમયમાં આ યાદીમાં જોડાનારો 11મો દેશ બનશે.

UAEમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના ઑબ્ઝર્વેશન ડેક 'At the Top'ની ટિકિટ હવે સીધી UPIથી ઓનલાઇન બુક થઈ શકે છે. આ માટે NIPLએ નીયોપે (NEOPAY) અને એમાર એન્ટરટેઇનમેન્ટ સાથે ભાગીદારી કરી છે. UAEમાં ઓનલાઇન પેમેન્ટ અને ઈ-કોમર્સ માટે UPI સ્વીકારનારું બુર્જ ખલીફા પહેલું મોટું પર્યટન સ્થળ બન્યું છે.

સિંગાપોરમાં NIPLએ ત્યાંની પેમેન્ટ કંપની ફોમો પે (FOMO Pay) સાથે હાથ મિલાવ્યા છે. હવે 'રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા'ના મુખ્ય પર્યટન સ્થળો જેવા કે યુનિવર્સલ સ્ટુડિયો સિંગાપોર, સિંગાપોર ઓશનેરિયમ અને એડવેન્ચર કોવ વોટરપાર્કની ટિકિટ સીધી UPIથી ઓનલાઇન ખરીદી શકાશે.

ભારત પોતાની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPIને દુનિયાભરમાં લઈ જવા પર કામ કરી રહ્યું છે. હાલમાં દુનિયાના 10 દેશોમાં UPIનો ઉપયોગ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન યાત્રા દરમિયાન 30 ઓગસ્ટ 2026ના રોજ એક મોટા બિઝનેસ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરાર અમલમાં આવતાં જ ઉઝબેકિસ્તાન પણ ભારતના UPI નેટવર્ક સાથે જોડાનારો 11મો દેશ બની જશે.

UPIને 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને NPCIએ બનાવ્યું છે. UPIથી સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. તે પહેલાં ડિજિટલ વૉલેટનો ઉપયોગ થતો હતો, જેમાં KYC જેવી પ્રક્રિયા કરવી પડતી હતી. UPIમાં આવી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી.

ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમ RBI સંભાળે છે. IMPS, RuPay અને UPI જેવી સિસ્ટમો NPCI સંભાળે છે. સરકારે 1 જાન્યુઆરી 2020થી UPI ટ્રાન્ઝેક્શન માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું છે.