ઉપાસના સિંહ ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગનું જાણીતું નામ છે. તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ‘અબ્બા ડબ્બા જબ્બા’ જેવા ડાયલોગથી ઘરે-ઘરે લોકપ્રિય બન્યા છે. તેમનો જન્મ 29 જૂન 1975ના રોજ થયો હતો. તેઓ હિન્દી, પંજાબી અને રાજસ્થાની ભાષાની ફિલ્મોમાં કામ કરે છે.
પંજાબના એક નાના શહેરમાંથી આવીને ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકનાર ઉપાસનાની સંઘર્ષની કહાણી કોઈ સ્ક્રિપ્ટથી ઓછી નથી. પંજાબ યુનિવર્સિટીમાંથી ડ્રામેટિક આર્ટ્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતી ઉપાસનાએ અભ્યાસ દરમિયાન જ અભિનય શરૂ કર્યો હતો.
ઉપાસનાએ 1997ની ફિલ્મ ‘જુદાઈ’માં મૂક-બધિર પાત્ર ભજવ્યું હતું. તેમણે દૂરદર્શનના કાર્યક્રમ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ઝી (Zee)ના થ્રિલર શો ‘તમન્ના હાઉસ’માં કામ કર્યું હતું. તેમજ ‘સોન પરી’માં ‘ક્રુએલા’ અથવા ‘કાલીપરી’ તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેમણે પ્રિયદર્શન અને ડેવિડ ધવનની ફિલ્મોમાં પણ નાની ભૂમિકાઓ ભજવી છે.
તેમણે ટીવી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’માં “બુઆ”નું પાત્ર ભજવ્યું હતું, જેનાથી તેમને ખૂબ લોકપ્રિયતા અને પ્રશંસા મળી. તેઓ બોલિવૂડ ફિલ્મોની સાથે પંજાબી, ભોજપુરી, રાજસ્થાની અને ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.
તેઓ 1988ની ફિલ્મ ‘બાઈ ચાલી સસરિયે’માં જોવા મળ્યા હતા. ત્યારથી, તેમણે ઘણી પ્રાદેશિક ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પંજાબી, ગુજરાતી તથા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતો ચહેરો છે.
તેમણે ‘ડર’, ‘જવાની ઝિંદાબાદ’, ‘લોફર’, ‘જુદાઈ’, ‘મેં પ્રેમ કી દીવાની હૂં’, ‘મુઝસે શાદી કરોગી’, ‘એતરાઝ’, ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’, ‘માય ફ્રેન્ડ ગણેશા’, ‘ગોલમાલ રિટર્ન્સ’ અને ‘હંગામા’ જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. ‘રાજા કી આયેગી બારાત’, ‘પરી હૂં મેં’, ‘માયકા’, ‘યે મેરી લાઈફ હૈ’, ‘બાની - ઈશ્ક દા કલમા’ અને ‘સોનપરી’ જેવી સીરિયલોમાં પણ જોવા મળ્યા છે. ‘નાદાનિયાં’માં તારાવાંતીની ભૂમિકા અને ટીવી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’માં “બુઆ” ખાસ કરીને તેમના ફેમસ ડાયલોગ “બિટ્ટુ, કૌન હૈ યે આદમી?”ને કારણે તેઓ ઘરે-ઘરે જાણીતા બન્યા હતા.
‘મુઝસે શાદી કરોગી’ અને ‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી બોલિવૂડ કોમેડી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 2015માં, તેમણે જૂહી ચાવલા, શબાના આઝમી અને ગિરીશ કર્નાડ સાથે ‘ચોક એન ડસ્ટર’માં મનજીતની ભૂમિકા ભજવી હતી. 2017માં વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડીઝ અને તાપસી પન્નુ સાથે ‘જુડવા 2’માં ભૂમિકા મળી હતી.
પંજાબી ફિલ્મ ‘કેરી ઓન જટ્ટા’ની સિક્વલનો પણ ભાગ રહ્યા છે, જે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી પંજાબી ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં ગિપ્પી ગ્રેવાલ, સોનમ બાજવા અને જસવિંદર ભલ્લા મુખ્ય ભૂમિકામાં છે.
તેઓ SAB ટીવીની કોમેડી સિરિયલ ‘જીજાજી છત પર હૈં’માં પંચમની માતા પંચમી (બેબે)ની ભૂમિકા ભજવે છે. તેઓ ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’ દ્વારા ટેલિવિઝન પર પાછા ફર્યા હતા.