ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે 16 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે 8 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ આ વખતે કોઈ પણ જૂના સાંસદને ટિકિટ નથી આપી. તેમની જગ્યાએ 8 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
ભાજપે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી બી.એલ. વર્માને પણ ટિકિટ આપી નથી. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર અને પૂર્વ સાંસદ નીરજ શેખર, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પ્રદેશ મહામંત્રી ગીતા શાક્ય, પૂર્વ IPS અધિકારી બૃજલાલ, પૂર્વ ધારાસભ્ય સીમા દ્વિવેદી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માને પણ આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી.
આ તમામ સાંસદોનો કાર્યકાળ નવેમ્બર 2026માં પૂરો થઈ રહ્યો છે. દિનેશ શર્મા આંદામાન-નિકોબારના ઉપરાજ્યપાલ બન્યા બાદ તેમની બેઠક પહેલેથી ખાલી હતી.
ભાજપે જાહેર કરેલા 8 નવા ઉમેદવારોમાં ધર્મપાલ સિંહ, પ્રકાશ પાલ, રામપ્રતાપ સિંહ ચૌહાણ, ગોપીકૃષ્ણ પાંડે, વિદ્યાસાગર સોનકર, પ્રિયંકા સિંહ રાવત, રાધાકાંત ઓઝા અને શ્રુતિ ગંગવારનો સમાવેશ થાય છે.
ધર્મપાલ સિંહ યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે અને લોધી સમાજના અગ્રણી નેતા છે. પ્રકાશ પાલ ઉત્તર પ્રદેશ ભાજપ OBC મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. રામપ્રતાપ સિંહ ચૌહાણ પ્રદેશ મહામંત્રી છે અને આગ્રાની એત્માદપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગોપીકૃષ્ણ પાંડે લાંબા સમયથી પાર્ટીના સંગઠનમાં સક્રિય છે.
વિદ્યાસાગર સોનકર જૌનપુરના અનુભવી દલિત નેતા, પૂર્વ સાંસદ અને પૂર્વ MLC છે. પ્રિયંકા સિંહ રાવત બારાબંકીના પૂર્વ સાંસદ અને પ્રદેશ મહામંત્રી છે. રાધાકાંત ઓઝા અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિયેશનના વરિષ્ઠ વકીલ અને પૂર્વ પ્રમુખ છે. શ્રુતિ ગંગવાર અર્બન કો-ઓપરેટિવ બેંક બરેલીના ચેરપર્સન અને રાજ્યપાલ સંતોષ ગંગવારના દીકરી છે.
ભાજપે 3 OBC, 2 દલિત અને 3 સામાન્ય વર્ગના નેતાઓ તેમજ 2 મહિલાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ નિર્ણય 2027ની વિધાનસભા ચૂંટણીના સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં ખાલી થઈ રહેલી 10 રાજ્યસભા બેઠકોમાંથી 8 બેઠકો ભાજપ પાસે હતી, જ્યારે 1 બેઠક સમાજવાદી પાર્ટી અને 1 બેઠક બહુજન સમાજ પાર્ટી પાસે હતી. વિધાનસભામાં હાલ 396 ધારાસભ્યો છે. એક બેઠક જીતવા માટે પ્રથમ પસંદગીના 37 મતોની જરૂર પડે છે. સંખ્યાબળ મુજબ ભાજપ 7 અને સમાજવાદી પાર્ટી 2 બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે. 10મી બેઠક માટે રસાકસી જોવા મળી શકે છે.