ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ન સમાચાર છે. રાજ્ય સરકારે ભરતી માટે ચારિત્ર્ય ચકાસણીના નિયમો કડક બનાવ્યા છે. હવે હિંસક પ્રદર્શનો કે આંદોલનોમાં ભાગ લેનારા ઉમેદવારોની ભરતી દરમિયાન તપાસ કરવામાં આવશે. આવા કૃત્યોમાં સંડોવાયેલા ઉમેદવારોને સરકારી નોકરી મળવામાં મુશ્કેલી પડી શકે છે. આ નિર્દેશ ઉત્તર પ્રદેશના નિમણૂક વિભાગના અગ્ર સચિવ એમ. દેવરાજ દ્વારા જારી કરવામાં આવ્યો છે.
નવા નિયમો રાજ્યના વિવિધ વિભાગો, નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં થતી ભરતી માટે ઉમેદવારોના ચારિત્ર્યની ચકાસણી પર લાગુ પડશે. જોકે, માત્ર FIR નોંધાવાથી અથવા તપાસ ચાલુ હોવાથી ઉમેદવારને આપમેળે ગેરલાયક જાહેર કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં ઉમેદવારની પૃષ્ઠભૂમિ અને સંબંધિત પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવશે. પોલીસને ચારિત્ર્ય ચકાસણીનો અહેવાલ 30 દિવસની અંદર આપવાનો રહેશે.
નિર્દેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર રાજકીય વિચારધારા ધરાવવાના આધારે કોઈ ઉમેદવારને ગેરલાયક ઠરાવી શકાય નહીં. પરંતુ જો કોઈ પ્રદર્શનમાં હિંસા થઈ હોય અને ઉમેદવાર તેમાં સામેલ હોવાનું જણાય તો તેની ભરતી પર અસર પડી શકે છે.
વધુમાં, હિંસક રીતે વ્યવસ્થા બદલવાનો પ્રયાસ કરતા સંગઠનો સાથે જોડાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે. આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાય તો ઉમેદવારને સરકારી નોકરી માટે અયોગ્ય ગણવામાં આવી શકે છે. આદેશમાં ઉલ્લેખ છે કે 21 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ અને તપાસની તારીખથી અગાઉનાં ત્રણ વર્ષ દરમિયાન આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો એ ઉમેદવાર હજી પણ તેમાં સક્રિય હોવાનો પુરાવો માનવામાં આવી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ઉમેદવારના વલણમાં પરિવર્તન આવ્યું હોવાના નક્કર અને સકારાત્મક પુરાવા ઉપલબ્ધ હોય તો તેના આધારે વિચારણા થઈ શકે છે.
આ નવા નિર્દેશથી ઉત્તર પ્રદેશમાં સરકારી ભરતી માટે ઉમેદવારોની ચારિત્ર્ય ચકાસણી વધુ મહત્ત્વપૂર્ણ બનશે. ખાસ કરીને વિરોધ પ્રદર્શનો અને આંદોલનોમાં સામેલ રહેલા ઉમેદવારોની પૃષ્ઠભૂમિની તપાસ ભરતી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે.