જૂનાગઢ અને કેશોદ ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. કેશોદ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કેશોદ શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
વર્તમાન સમયમાં ખેતરોમાં તૈયાર થયેલો પાક કાઢવાની તૈયારીઓ ચાલી રહી હતી, તે ટાંકણે જ વરસાદનું વિઘ્ન નડ્યું છે. પાક લણવાની તૈયારી કરી રહેલા ખેડૂતોની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. તૈયાર પાકને નુકસાન થવાની પૂરી ભીતિ હોવાથી ખેડૂતો અત્યારે ભારે ચિંતામાં મુકાયા છે. લાંબા સમયની સખત મહેનત અને પરસેવો વહાવ્યા બાદ તૈયાર થયેલા પાક પર આ કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વરસાદના કારણે ખેતીકામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને પાક લણણીના નિર્ણાયક સમયે જ વરસાદ પડતાં ખેડૂતોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે.
આ અંગે કેશોદના પીપળી બાવાની ટેકરી વિસ્તારના ખેડૂત હરજીવનભાઈ વીરજીભાઈ કાલરિયાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યારે કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાકના ભરમાં જ છાટા પડવા માંડ્યા છે અને પાક પલળવા લાગ્યો છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખેતરમાં પાક કાઢવા માટે કોઈ થ્રેશરવાળો પણ આવતો નથી અને સતત પાક પલળતો જાય છે, જેના કારણે બધો માલ બળી જવાનો અને મોટું નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. અત્યારની આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખૂબ જ ખરાબમાં ખરાબ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મારે કુલ આઠ વીઘાનું વાવેતર હતું. આ બધાય પાક અત્યારે ખેતરમાં ભરમાં પડ્યા છે અને આ આઠે આઠ વીઘાના પાકને લઈને મારે હવે શું કરવું તે સૂઝતું નથી. મારી પાસે હવે બધું જ હાવ નાશ પામવાની સ્થિતિમાં પહોંચી ગયું છે અને મારી પાસે ખાવા કે વેચવાલાયક કોઈ વસ્તુ બચી નથી. છેલ્લે તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો હવે હજી વધારે વરસાદ પડશે તો જે થોડોઘણો બચેલો પાક છે એ પણ સંપૂર્ણપણે બગડી જશે અને ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ થઈ જશે.